Surat News : સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં વર્ષોથી બાકી ઉચ્ચતર પગાર ધોરણની કામગીરી માટે શિક્ષકોની સર્વિસ બુકની કામગીરીમાં ગોટાળા થયા હોવાની વ્યાપક ફરિયાદ બહાર આવી છે. સિનિયર શિક્ષકોની સર્વિસ બુકની કામગીરી બાકી છે પરંતુ લાગવગીયા જુનિયર શિક્ષકોની બુકની કામગીરી પૂરી થઈ હોવાની ફરિયાદ બહાર આવી છે આ મુદ્દે તપાસની માગણી સાથે સિનિયોરીટીનું લિસ્ટ જાહેર કરવા માટે પણ માગણી થઈ રહી છે. સમિતિ દ્વારા લિસ્ટ જાહેર કરતા ન હોવાથી ખોટું થઈ રહ્યું હોવાનો ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે. શિક્ષણ સમિતિના નવા અધ્યક્ષ અને શાસનાધિકારી દ્વારા એસ.બી.ની કામગીરી 100 ટકા પૂરી થાય તેવી જાહેરાત કરી હતી તેમ છતાં હજુ સુધી શિક્ષકોને અન્યાય થઈ રહ્યો હોવાની ફરિયાદ વધી રહી છે. 

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ઉચ્ચતર પગાર ધોરણની કામગીરીમાં 2002 પછીના કેટલાક જુનિયર શિક્ષકો તેમના ગ્રુપના શિક્ષકો સર્વિસ બુકની કામગીરી કે કોઈ સંગઠન સાથે જોડાયેલા છે તેવા શિક્ષકોની સર્વિસ બુકની કામગીરી સરળતાથી પુરી થઈ છે અને ક્વેરી પણ સોલ્વ થઈ ગઈ છે અને સ્ટીકર પર આવી ગયાં છે. પરંતુ કેટલાક શિક્ષકો કોઈ ગ્રુપના નથી અને સિનિયર છે તેવા શિક્ષકો 1998ની આસપાસ જોડાયા છે તેમ છતાં તેઓની સર્વિસ બુકની કામગીરી થતી નથી અને એક પછી એક ક્વેરી આવી રહી છે જેના કારણે શિક્ષકોમાં અસંતોષની લાગણી ફેલાઈ રહી છે.

આ અંગે શિક્ષકો અને સંગઠન દ્વારા શિક્ષણ સમિતિ અધ્યક્ષ અને શાસનાધિકારીએ  સર્વિસ બુકની કામગીરી અંગે 30 દિવસમાં કામગીરી પુરી થશે તેવો દાવો કરવામા આવ્યો હતો. પરંતુ સમિતિની કચેરીમાં જે રેઢિયાળ કામગીરી થઈ રહી છે તેના કારણે આ દાવો ખોટો પડ્યો છે. આજે પણ અનેક સિનિયર શિક્ષકોને ગ્રેડ નથી મળ્યો અને જુનિયરોને મળી ગયો છે આ ઉપરાંત જે ફરિયાદ કરે છે તેવા સિનિયર શિક્ષકો સર્વિસ બુક એક યા બીજા કારણોથી બાકી રાખવામાં આવતી હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે. જ્યારે લાગવગ હોય તેવા શિક્ષકો જુનિયર હોવા છતાં લાગવગ હોય તેવાની કામગીરી થઈ રહી હોવાથી વ્હાલા દવલાની નીતિ થઈ હોવાની ફરિયાદ થઈ રહી છે. આવી સંખ્યા બંધ ફરિયાદ હોવા છતાં શિક્ષણ સમિતિ દ્વારા બધું બરાબર હોવાની વાત કરવામાં આવી રહી છે. 

હાલની સ્થિતિમાં સર્વિસ બુકમાં સ્ટીકર અને પગાર ગ્રેડ ઓર્ડરમાં સિનિયોરીટી જળવાતું ન હોવાથી સિનિયોરીટીનું લિસ્ટ જાહેર કરવા માટે માગણી થઈ રહી છે. વારંવાર રજૂઆત અને માંગણી છતાં પણ શિક્ષણ સમિતિ દ્વારા લિસ્ટ જાહેર કરાતું ન હોવાથી એસ.બી.માં ગોટાળા થઈ રહ્યાં છે અને લાગવગ ચાલી રહી છે તેવા આક્ષેપ થઈ રહ્યાં છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *