બાંગ્લાદેશમાં ઉગ્ર અનામત આંદોલનના કારણે MBBSના 22 વિદ્યાર્થીઓ અટવાયા
વિદ્યાર્થીઓ ફસાતા વિદ્યાર્થીઓના વાલીઓ ચિંતામાં
ભારતીય કોન્સ્યુલેટ દ્વારા વિદ્યાર્થીઓને પરત લાવવા પ્રયાસ
પંચમહાલ જિલ્લાના ગોધરાના 22 જેટલા મેડિકલના વિદ્યાર્થીઓ બાંગ્લાદેશમાં અટવાઈ પડ્યા છે. બાંગ્લાદેશમાં ચાલી રહેલા અનામત આંદોલનના ઉગ્ર સ્વરૂપના કારણે ગોધરાના 22 મેડિકલના વિદ્યાર્થીઓ અટવાયા છે. ગોધરાના 22 જેટલાં વિદ્યાર્થીઓ બાંગ્લાદેશની મેડિકલ કોલેજમાં MBBSનો અભ્યાસ કરી રહ્યા છે.
બાંગ્લાદેશમાં ગોધરાના વિદ્યાર્થીઓની સ્થિતિ કફોડી બની
બાંગ્લાદેશમાં ઉદભવેલા ગૃહ યુદ્ધ જેવી સ્થિતિમાં મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ માર્યા ગયા છે, ત્યારે આવી સ્થિતિમાં ગોધરાના વિદ્યાર્થીઓની સ્થિતિ કફોડી બની છે. ત્યારે ગોધરા ખાતે વિદ્યાર્થીઓના વાલીઓ પણ મોટી ચિંતામાં મુકાયા છે. જોકે ભારતીય કોન્સ્યુલેટ દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ચિંતા કરવામાં આવી છે. હાલમાં ભારતીય કોન્સ્યુલેટને આ અંગે જાણ કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓને પરત લાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.
લગભગ 1,000 ભારતીય વિદ્યાર્થીઓ બાંગ્લાદેશથી પાછા ફર્યા
બાંગ્લાદેશમાં હાલના દિવસોમાં સ્થિતિ સામાન્ય નથી. સરકારી નોકરીઓમાં ક્વોટા સિસ્ટમ નાબૂદ કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓ હિંસક વિરોધ કરી રહ્યા છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે દેશવ્યાપી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. આ પછી લગભગ 1,000 ભારતીય વિદ્યાર્થીઓ બાંગ્લાદેશથી પાછા ફર્યા છે. તમને જણાવી દઈએ કે હિંસક અથડામણમાં અત્યાર સુધીમાં 115થી વધુ લોકોના મોત થયા છે.
બાંગ્લાદેશમાં રહેતા 15,000 ભારતીયો સુરક્ષિત
ભારતે આ હિંસક વિરોધને બાંગ્લાદેશનો આંતરિક મામલો ગણાવ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે તેમના મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે પાડોશી દેશમાં રહેતા 15,000 ભારતીયો સુરક્ષિત છે, જેમાંથી લગભગ 8,500 વિદ્યાર્થીઓ છે. તેમણે કહ્યું કે વિદેશ મંત્રાલય સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. ઢાકામાં ભારતીય હાઈ કમિશન દેશમાં પરત ફરવા ઈચ્છતા ભારતીય વિદ્યાર્થીઓને પર્યાપ્ત સુરક્ષા પ્રદાન કરવા માટે સ્થાનિક સત્તાવાળાઓ સાથે સંકલન કરી રહ્યું છે. શનિવાર સુધીમાં 978 વિદ્યાર્થીઓ સહિત 1000થી વધુ ભારતીયો બાંગ્લાદેશથી પરત ફર્યા છે.
આ મામલે વિદેશ મંત્રી એસ જયશંકર જાતે રાખી રહ્યા છે નજર
ભારતીયોની સુરક્ષાના સંદર્ભમાં વિદેશ મંત્રી એસ જયશંકર જાતે આ મામલાની નજીકથી નજર રાખી રહ્યા છે. બેનાપોલ-પેટ્રાપોલ, જે પશ્ચિમ બંગાળમાં ભારત-બાંગ્લાદેશ સરહદ પર સ્થિત છે, ત્રિપુરામાં ગેડે-દર્શના અને અખૌરા-અગરતલા ક્રોસિંગ વિદ્યાર્થીઓ અને ભારતીય નાગરિકોને પરત ફરવા માટે ખુલ્લા રહેશે. ભારતીય હાઈ કમિશન BSF અને ઈમિગ્રેશન બ્યુરો સાથે સંકલન કરીને બાંગ્લાદેશથી ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવાની સુવિધા આપી રહ્યું છે.