image : Socialmedia
China Secret Military Project in Maldives : માલદીવના ચીન પ્રેમી રાષ્ટ્રપતિ મહોમ્મદ મોઈજજૂએ એક તરફ ભારત સાથેના સબંધોને રસાતાળમાં ધકેલી દીધા છે અને બીજી તરફ ચીનનો પડયો બોલ ઝીલી રહ્યા છે.
માલદીવમાં મોઈજ્જૂના કારણે ચીનની એન્ટ્રી થઈ રહી છે અને ભારત માટે ચિંતા વધી રહી છે. માલદીવની પ્રમુખ વિરોધી પાર્ટી માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટીના અધ્યક્ષ ફૈયાઝ ઈસ્માઈલે તો ચોંકાવનારો આક્ષેપ કરતા કહ્યુ છે કે, માલદીવમાં ચીન કૃષિ પ્રોજેકટના ઓઠા હેઠળ એક ટાપુ પર મિલિટરી પ્રોજેકટ હાથ ધરે તેવી શક્યતા છે.
માલદીવના ઉત્તર વિસ્તારમાં આવેલા આ ટાપુ પર ગત એગ્રિકલ્ચર ઈકોનોમિક ઝોન સ્થાપવા માટે માલદીવની સરકારે ચીનની હાર્બર એન્જિનિયરિંગ કંપની સાથે કરાર કર્યા છે. આ કંપનીના ચીનની આર્મી સાથે ઘનિષ્ઠ સબંધો છે. આ એજ કંપની છે જેણે શ્રીલંકાના હંબનટોટા બંદરનુ નિર્માણ કર્યુ હતુ. આ બંદર ખોટ કરતુ હોવાથી શ્રીલંકા પાસેથી ચીને તેને 99 વર્ષના ભાડપટ્ટે પડાવી લીધુ છે.
માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટીના અધ્યક્ષ ફૈયાઝ ઈસ્માઈલનુ કહેવુ છે કે, ચીનની કંપની માલદીવના ઉથુરુ થિલા ફાલ્હુ ટાપુ પર વૃક્ષો નથી રોપવાની. તે અહીંયા લશ્કરી પ્રોજેકટ પર જ કામ કરશે. આ યોજના અમારા દેશ માટે પણ ચિંતાની વાત છે. કારણકે આ ટાપુ પરથી માલદીવની રાજધાની માલે આવનારા કોઈ પણ જહાજ પર આસાનીથી નજર રાખી શકાશે. તેમનો ઈશારો એ વાત પર હતો કે, ચીન અહીંયા લશ્કરી બેઝ સ્થાપીને જાસૂસી કરી શકે છે.
વિપક્ષી નેતાઓનો દાવો સાચો હોય તો ભારત માટે આ ચિંતાની વાત છે. કારણકે હિન્દ મહાસાગરમાં માલદીવ વ્યૂહાત્મક સ્થાન ધરાવતુ હોવાથી ભારત માટે તેનુ ઘણુ મહત્વ છે.
બીજી તરફ માલદીવમાં રાષ્ટ્રપતિ મોઈજ્જૂ ભારત સામે અભિયાન ચલાવીને સત્તા પર આવ્યા છે અને તેઓ ભારતની જગ્યાએ માલદીવમાં ચીન માટે રેડ કાર્પેટ બીછાવી રહ્યા છે.