શુક્રવારથી લોકસભા ચૂંટણીના ફોર્મ ભરવાનું શરૂ થશે ફોર્મ ભરે ત્યારે જલદ્ કાર્યક્રમોની ચેતવણીના પગલે ચૂસ્ત સુરક્ષા રખાશે, સૌરાષ્ટ્રમાં ચૂંટણી સુધી તણાવની સ્થિતિ રહેવાની ભીતિ
રાજકોટ, : રાજકોટમાં મહારેલી, ધંધુકામાં મહાસંમેલન, ખંભાળિયામાં પાટિલના કાર્યક્રમમાં અને ગઈકાલે થાનગઢની ભાજપની સભામાં તોડફોડ અને હંગામો, અનેક ગામોમાં ભાજપને પ્રવેશબંધી વગેરે સિલસિલાબંધ ઘટનાઓથી ક્ષત્રિયો ઝૂકવાના મુડમાં નથી અને રોષ વધતો જાય છે ત્યારે રાજકોટ બેઠક પરથી પુરૂષોત્તમ રૂપાલાની ઉમેદવારી ભાજપે યથાવત્ રાખી છે અને શહેર ભાજપના સૂત્રો અનુસાર આગામી તા. 16 એપ્રિલે મંગળવારે બપોરે 12.39 વાગ્યે તેઓ રાજકોટ કલેક્ટર ઓફિસે જઈને ઉમેદવારી નોંધાવશે.
એક તરફ રૂપાલા સામે ક્ષત્રિય આંદોલન મુદ્દે પ્રદેશ ભાજપના પ્રયાસો સફળ થયા નથી, જયરાજસિંહ મારફત ક્ષત્રિયો સાથે સમાધાનના પ્રયાસો પછી તો ઉલ્ટો રોષ વધ્યો છે ત્યારે હવે મામલો હવે દિલ્હી વડાપ્રધાનને ત્યાં પહોંચ્યો છે ત્યારે બીજી તરફ રૂપાલા યથાવત્ જ રહેશે તેવા વિશ્વાસ સાથે રાજકોટમાં ઉમેદવારી નોંધાવવા અને તે દિવસે બહુમાળી ભવન પાસે જંગી સંખ્યામાં મેદની ભેગી કરવા તૈયારીઓ શરૂ કરી દીધી છે. ખુદ રૂપાલાએ આ માટે રાજકોટમાં અને ગઈકાલે સુરત સહિતના સ્થળે જઈને સમર્થકોને ફોર્મ ભરતી વખતે આવવા આમંત્રણ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ સહિત રાજ્યભરની લોકસભા બેઠકો પર તા. 12થી ઉમેદવારી ફોર્મ સ્વીકારવાનું શરૂ થશે અને તા.૧૯ સુધી ફોર્મ સ્વીકારાશે. રાજકોટમાં ક્ષત્રિયોએ પણ વિરોધના ભાગરૂપે ઉમેદવારી નોંધાવવા જાહેરાતો કરી છે.
ક્ષત્રિયોની તાજેતરમાં મળેલી સંકલન બેઠક બાદ રૂપાલા ફોર્મ ભરે તે દિવસે જલદ્ કાર્યક્રમોની ચિમકી ઉચ્ચારાઈ હતી જેના પગલે આ વખતે ઉમેદવારી નોંધાવતી વખતે રાજકોટમાં જડબેસલાખ સુરક્ષા બંદોબસ્ત ગોઠવાશે. આજે રૂપાલા ચેન્નાઈ,તમિલનાડુ પ્રવાસે ગયા છે અને તા. 10ના તેઓ રાજકોટ આવશે અને પ્રચાર જારી રાખશે તેમ ભાજપના સૂત્રોએ જણાવ્યું છે. એકંદરે ભાજપ ઉમેદવાર બદલવા ઈચ્છુક નથી અને ક્ષત્રિયો તે વગર કોઈ પણ સમાધાન કરવાના મુડમાં નથી ત્યારે આગામી તા. 7 મેના યોજાનાર ચૂટણી સુધી સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળોએ વિરોધ,વિવાદ,હંગામા જેવી તણાવભરી સ્થિતિની આશંકા પણ સેવાઈ રહી છે.