Bullets Sale In vending Machine In USA: અમેરિકામાં ગન કલ્ચર સતત વધી રહ્યું છે. અવારનવાર ખુલ્લેઆમ માસ શૂટિંગની ઘટનાઓ નોંધાઈ રહી છે, જેની પાછળનું કારણ એ છે કે, અમેરિકાના શહેરોમાં દૂધ અને ચોકલેટની જેમ બંદૂકની બુલેટ્સ વેચાઈ રહી છે. આ માટે અમેરિકાના અનેક ગ્રોસરી સ્ટોર પર વેન્ડિંગ મશીનો પણ લગાવવામાં આવ્યા છે. આ મશીનોથી તમે ગમે ત્યારે સરળતાથી બુલેટ્સ ખરીદી શકો છો.
અમેરિકાના અલાબામાથી માંડી ઓકલાહોમા અને ટેક્સાસના ગ્રોસરી સ્ટોરમાં બુલેટ્સ ખરીદવા માટે દૂધના વેન્ડિંગ મશીનની બાજુમાં જ બુલેટ્સના વેન્ડિંગ મશીનો જોવા મળી શકે છે. જ્યાં ગ્રોસરી સ્ટોર્સ પર પણ આ પ્રકારના વેન્ડિંગ મશીનો લગાવાયા છે, જેનો એટીએમની જેમ સરળતાથી ઉપયોગ કરીને બુલેટ્સ ખરીદી શકાય છે.
અમેરિકન રાઉન્ડ્સ નામની કંપની આ વેન્ડિંગ મશીનોને ગ્રોસરી સ્ટોરમાં લગાવી રહી છે. આ કંપનીનું કહેવું છે કે, આ મશીનોમાં એક આઈડેન્ટિફિકેશન સ્કેનર અને ફેશિયલ રિકોગ્નિશન સોફ્ટવેર લગાવેલુ છે. જે ખરીદદારની ઉંમર વેરિફાઈ કરી સરળતાથી બુલેટ્સ ખરીદવા મંજૂરી આપે છે.
એજ વેરિફિકેશન ટેક્નોલોજીની મદદથી બુલેટ્સનું વેચાણ યોગ્ય હોવાનું અમેરિકન રાઉન્ડ્સ દાવો કરી રહી છે. આ કંપની કહે છે કે, આ રીતે બુલેટની ખરીદી ઓનલાઈન ખરીદી કરતાં અત્યંત સુરક્ષિત છે. જેમાં ફિઝિકલી વયનો પુરાવો આપવામાં આવે છે. 21 વર્ષથી વયુ વય ધરાવતા ગ્રાહકો જ વેન્ડિંગ મશીનમાંથી સરળતાથી બુલેટ્સ ખરીદી શકે છે. આ વેન્ડિંગ મશીનોમાં ઈનબિલ્ટ એઆઈ ટેક્નોલોજી, કાર્ડ સ્કેનિંગ ક્ષમતા અને ચહેરો ઓળખવા માટેના સોફ્ટવેર લગાવેલું છે.
અમેરિકન રાઉન્ડ્સના સીઈઓ ગ્રાન્ટ મેગર્સે જણાવ્યું હતું કે, હાલ ચાર રાજ્યોમાં આ પ્રકારના આઠ મશીનો ઈન્સ્ટોલ કર્યા છે. અમારી પાસે લગભગ નવ રાજ્યમાંથી AARM (ઓટોમેટેડ એમો રિટેલ મશીન) માટે 200થી વધુ સ્ટોર રિક્વેસ્ટ આવી છે. આ સંખ્યા સતત વધી રહી છે.
અમેરિકનો કરી રહ્યા છે વિરોધ
અમેરિકાના અનેક ગ્રોસરી સ્ટોર પર લગાવાતા આ વેન્ડિંગ મશીનનો વિરોધ પણ થઈ રહ્યો છે. કારણકે, અમેરિકામાં સતત માસ શૂટિંગની ઘટનાઓ બની રહી છે. 2024માં અત્યાર સુધી માસ શૂટિંગની 15 ઘટના બની ચૂકી છે. જેથી અમેરિકાનોનું કહેવું છે કે, આ રીતે ખુલ્લેઆમ ગ્રોસરી સ્ટોર્સ પર બુલેટ્સ મળશે તો માસ શૂટિંગની ઘટનાઓ વધશે.