રાત્રે આંટો મારવા નીકળેલી છોકરીઓને લુ્ખ્ખાતત્વોએ ટાર્ગેટ બનાવી
જાણે કાયદો એમના બાપે બનાવ્યો હોય તેમ પૂરપાટ ઝડપે ગાડી સોસાયટીમાં ઘુસાડી
આ નબીરાઓની તમામ કરતૂતો સીસીટીવીમાં થઈ કેદ
કહેવાય છે કે ગુજરાતમાં છોકરીઓ અડધી રાત્રે પણ બહાર બિંદાસ ફરી શકે છે કોઈ રોકે નહીં અને કોઈ ટોકે નહીં પણ હવે એવું નથી રહ્યું. બહાર જતી છોકરીઓનો કેટલાક નબીરાઓઓ પીછો કરે છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારના ન્યૂ સીજી રોડ પર એક એવી ઘટના સામે આવી છે જેને જોઈને તમે ચોકીં જશો.
આવકાર એન્કલેવ સોસાયટીમાં રહેતી છોકરીઓનો આવારા તત્વોએ પીછો કર્યો
ન્યૂ સીજી રોડ પર આવકાર એન્કલેવ સોસાયટીમાં રહેતી છોકરીઓનો કેટલાક આવારા તત્વોએ પીછો કર્યો. મંગળવારે રાત્રે 11 વાગ્યાની આસપાસની આ ઘટના છે, જેમાં રાત્રે આંટો મારવા નીકળેલી છોકરીઓને લુ્ખ્ખાતત્વોએ ટાર્ગેટ બનાવી છે. સફેદ કલરની GJ18-EA-4914 નંબરની સ્વીફટ કારમાં નબીરાઓ આવ્યા હતા.
પૂરપાટ ઝડપે ગાડી સોસાયટીમાં ઘુસાડી
છોકરીઓ રાત્રે આંટો મારીને સોસાયટીમાં ઘુસી રહી હતી, ત્યારે રસ્તાની સામેથી આવતી સફેદ રંગની સ્વીફટ કાર છોકરીઓને જોઈને ટર્ન મારે છે અને ત્યારબાદ છોકરીઓ સોસાયટીના ગેટમાં પ્રવેશે ત્યારે તેમના પર વોચ રાખે છે અને જ્યારે આ છોકરીઓ સોસાયટીમાં ઘુસીને તેમના ઘરમાં જતી હોય છે, ત્યારે આ નબીરાઓ જાણે કાયદો એમના બાપે બનાવ્યો હોય તેમ પૂરપાટ ઝડપે ગાડી સોસાયટીમાં ઘુસાડીને છોકરીઓ પર ચઢાવવાનો પ્રયાસ કરે છે.
શહેરમાં કેટલાક લુખ્ખાતત્વો બેફામ
સીસીટીવીમાં આ નબીરાઓની કરતૂત તમે જોઈ શકો છો. અડધી રાત્રે સોસાયટીમાં ગાડી ઘુસાડ્યા બાદ આગળથી ટર્ન મારીને ગાડી પાછી ગેટ પર આવે છે અને ગેટના પરનો સિક્યુરીટી ગાર્ડ અને સોસાયટીના એક રહીશ કારચાલકને રોકે છે પણ તેમ છતાં આ કારચાલક ગાડી રોકવાને બદલે સિક્યુટીગાર્ડ પર જ ગાડી ચઢાવવાનો પ્રયાસ કરે છે. ન્યૂ સીજી રોડ પર રાત્રે લોકોની અવરજવર ઓછી હોવાથી કેટલાક લુખ્ખાતત્વો બેફામ ફરે છે. જાણે કાયદો પોતાના હાથમાં હોય તેમ ઘણીવાર રાત્રે રોડ પર જતી છોકરીઓનો પીછો કરી તેમની હેરાનગતિ કરે છે.