ચોમાસાના આરંભે દરમાં પાણી ભરાતાં સાપ નીકળવાનું શરૂ
પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા વર્ષોવર્ષથી સર્પ રેસ્ક્યુ કરવાનો યજ્ઞ અવિરત ચાલે છે
19 કિલો વજન ધરાવતા એક મહાકાય અજગરની લંબાઈ આશરે 10 ફૂટ હતી

દાહોદ ખાતે વરસાદના આગમન સાથે જ શહેરમાં ઠંડક પ્રસરવાની સાથે વિવિધ પ્રકારના સર્પ સહિતના વરસાદી જીવજંતુઓ નીકળવાનું પ્રમાણ વધવા પામ્યું છે.

દાહોદ ખાતે ચોમાસાના આગમનની સાથે જ દરમાં પાણી ભરાતાં ખોરાકની શોધમાં નીકળતા વિવિધ પ્રકારના સર્પ અને સાથેસાથે કીડી, મંકોડા, મચ્છર, પાંખોવાળી ઉડતી કીડી, કાળા ગંધાતા જીવડાં સહિતના જીવજંતુઓનું પ્રમાણ વધ્યું છે. દર વર્ષે વરસાદનું પાણી સાપના દરમાં ભરાતા જ દાહોદ ખાતે આ સમયે ડેંડવાડું, ધામણ, નાગ, દરગોઈ, ડમોઈ સહિત ઝેરી-બિનઝેરી સર્પો નીકળવાનું પ્રમાણ પણ સ્વાભાવિક વધે છે. એટલે, પ્રકૃતિ મિત્ર મંડળના સર્પ રેસ્ક્યુ કરનારા સદસ્યોની દોડધામ વધી પડે છે. દાહોદ પંથકના વિવિધ વિસ્તારોમાંથી 3 અજગર સહિત કુલ મળીને 19 થી જેટલા ઝેરી-બિનઝેરી સાપ પકડી તેને સલામત સ્થળે છોડી લોકોને ભયમુક્ત કર્યા હતા. રેસ્ક્યુ-2024 અંતર્ગત પ્રકૃતિ મિત્ર મંડળના રેસ્ક્યુઅર કલ્પેશ કતીજા અને તેમની ટુકડીના રોહિત ભુરીયા, ગોલુ ચોપરા અને અજય ભેદીની ટુકડીએ કાળીગામના અલ્કેશભાઈ ડામોરના ખેતરમાંથી 4.5 ફૂટ લંબાઈ ધરાવતો અજગર પકડયો હતો તો આ જ ટુકડીએ દાહોદની આસપાસના બિલવાણી, બોરવાણી, ચોસાલા જેવા ગામોમાંથી 4 ધામણ, 1 કોબ્રા અને 1 બેન્ડેડ રેસર મળી ત્રણ જ કલાકમાં કુલ 7 સાપના રેસ્ક્યુ કર્યા હતા. તો બીજી તરફ્ પ્રકૃતિ મિત્ર મંડળના રેસ્ક્યુઅર્સ ચિરાગ તલાટી અને જીગાભાઈએ વન વિભાગની મદદથી દેવગઢબારિયા તાલુકાના વાડોદરના બારીયા પ્રતાપભાઈ વેચાતભાઈને ત્યાંથી અને પંચેલા ગામમાંથી અલગ અલગ બે સ્થળેથી બે અજગર રેસ્ક્યુ કર્યા હતા. જે પૈકી 19 કિલો વજન ધરાવતા એક મહાકાય અજગરની લંબાઈ આશરે 10 ફૂટ હતી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *