ઉમરાળાની સીમમાં શ્રમિક પર વનરાજનો હુમલો
સિંહના રસ્તા પર યુવક કુદરતી હાજતે જતાં રૌદ્ર સ્વરૃપ ધારણ કર્યું, ગરદનના ભાગે બચકાં ભરી પંજા મારી દેતાં કમર નીચેનો ભાગ કાયમ માટે ખોટો પડી જવા ભીતિ
જૂનાગઢ : જૂનાગઢ તાલુકાના બિલખા નજીક આવેલા ઉમરાળામાં વહેલી સવારે
કુદરતી હાજતે ગયેલા પરપ્રાંતિય યુવક પર સિંહે હુમલો કરતા ગંભીર હાલતમાં સારવારમાં
ખસેડવામાં આવ્યો છે. સિંહ એટલી હદે ખુંખાર બની ગયો હતો કે, ઈજાગ્રસ્ત યુવક
પાસે કોઈને જવા દેતો ન હતો. ત્યારબાદ વાડી માલીક તેમની કાર લઈ આવ્યા અને મહામહેનતે
ઈજાગ્રસ્ત યુવકને સિંહની ચુંગાલમાંથી છોડાવ્યો હતો. મુળ એમપીનો યુવક ગંભીર રીતે
ઈજાગ્રસ્ત બન્યો છે. જેમાં તેના શરીરના કમરથી નીચેનો ભાગ કાયમી માટે ખોટો પડી ગયો
છે.
સિંહો માનવ પર ભાગ્યે જ હુમલો કરે છે. તેમાંય આવી રીતે સિંહનું
માનવ પ્રત્યેનું રોદ્ર સ્વરૃપ ક્યારેક જ જોવા મળે છે. બિલખા નજીક ઉમરાળા ગામમાં ઉમેદભાઈ
વાળાના ખેતરમાં પરપ્રાંતિય મજુર તરીકે કામ કરતો મુળ એમપીનો અનિલ વેસુભાઈ વાસુનીયા(ઉ.વ.૨૦)
નામનો યુવક વહેલી સવારે ખેતરની બાજુમાં આવેલા વોકળામાં કુદરતી હાજતે ગયો હતો. કુદરતી
હાજતે ગયો ત્યાં તેમણે સિંહ જોવા મળતા યુવક વોકળામાંથી પરત ખેતર તરફ આવતો હતો ત્યાં
વોકળાનો ઢાળ ચડતા પડી ગયો હતો. જેવો અનિલ પડી ગયો તેવો તુરંત જ નજીકમાં રહેલ સિંહ આવી
અનિલની ગરદનના ભાગે પંજા મારી બચકા ભરી લીધા હતા. સિંહના હુમલાથી યુવક રાડારાડી કરતા નજીકમાં રહેલા તેમના પિતા સહિતનો
પરિવાર પણ બુમાબુમ કરતા સિંહ ત્યાંથી થોડો દુર જઈ બેસી ગયો હતો.
અનિલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થવાથી પોતે પોતાની રીતે ઉભો થઈ
શકતો ન હતો. જેથી તેમના પરિવારજનો તેમને લેવા જતા સિંહ તુરંત જ ખુંખાર બની સામે
દોડતો હતો. ત્યારબાદ લાકડી,
પાઈપ પછાડયા છતાં પણ સિંહ અનિલથી દુર જતો ન હતો. બનાવની ગંભીરતા પામી ગયેલા
યુવકના પરિવારે તેમના વાડી માલીક વિરેન્દ્રભાઈ(દાદભાઈ)ને જાણ કરતા તેઓ તુરંત જ
પોતાની ફોરવ્હીલ લઈ ગયા હતા. ફોરવ્હીલ અનિલની નજીક જતા સિંહ ફરી ખુંખાર બની જતો
હતો. ત્યારબાદ ફોરવ્હીલના હોર્ન વગાડયા,
કારને રેસ કરી જેથી વધુ પડતો અવાજ સાથે ધીમે-ધીમે કારને ઈજાગ્રસ્ત અનિલની નજીક
જવા દીધી હતી. જ્યાંથી અનિલને ખેંચી તુરંત જ ગાડીમાં લઈ સારવાર માટે બિલખા
હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.
બિલખા હોસ્પિટલના તબીબે ગંભીરતા પામી તુરંત જ જૂનાગઢ રીફર
કરેલ, જૂનાગઢના
તબીબે વધુ પડતી ઈજા હોવાથી રાજકોટ રીફર કરેલ,
રાજકોટથી તેમને અમદાવાદ રીફર કરવા માટેની તજવીજ ચાલી રહી છે. કેમ કે, વાડી માલીકના
જણાવ્યા પ્રમાણે ઈજાગ્રસ્ત બનેલ અનિલને ગરદનથી નીચેના કરોડરજ્જુ અને મુખ્ય રગ ફાટી
છે. જેના કારણે અનિલનું મેજર ઓપરેશન
કરવાની જરૃરીયાત ઉભી થઈ છે. તબીબના જણાવ્યા પ્રમાણે અનિલને ઓપરેશન થયા બાદ
પણ કમરથી નીચેનો ભાગ કાયમી માટે ખોટો થઈ જશે તેટલી હદે ઈજાઓ થઈ છે. હાલ યુવકના
શરીમાંથી ઈજા થયેલી જગ્યા પરથી ખુબ જ લોહી વહી રહ્યું છે. જેના કારણે સતત લોહીની
બોટલો ચડાવવામાં આવી રહી છે.
હુમલાખોર સિંહને વન વિભાગે પૂરી દીધો પાંજરે
અનિલને ઘટના સ્થળેથી લઈ લીધા બાદ ત્યાં લોહીના ડાઘ હતા તે
સ્થળે આવી સિંહ બેસી ગયો હતો. ત્યાંથી કોઈ જોવા મળે તો તુરંત જ સિંહ તેના પર હુમલો
કરવા પ્રયાસ કરતો હતો. આમ,
અચાનક જ સિંહે રૌદ્ર સ્વરૃપ ધારણ કરી લીધુ હતું. હાલ આ નર સિંહને વન વિભાગે
બેભાન કરી પાંજરે પુરી દીધો છે. વન વિભાગના લાંબડીધાર થાણા પર વેટરનરી તબીબની નજર
હેઠળ નિરીક્ષણ માટે રાખવામાં આવ્યો છે. સિંહના આવા રૌદ્ર સ્વરૃપ અંગે જાણકારોએ
જણાવ્યું હતું કે, સિંહ
ક્યારેય પણ હુમલો કરે ત્યારે થોડીવાર માટે તે ખુબ જ ક્રોધીત બની જાય છે. તેના
ભાગરૃપે આ સિંહ ક્રોધીત બની ગયો હોય તેવી શક્યતાઓ છે.