ઉનાનાં ઓલવાણ ગામની સીમનો બનાવ, આરોપીની અટકાયત
યુવાનનાં આપ્તજનો ઘર નજીક પહોંચ્યા ત્યારે ફટાકડા જેવો અવાજ આવ્યા બાદ મહેતાજી હાથમાં હથિયાર લઈ બહાર જતા જોવા મળ્યો
ઉના : ઉના તાલુકાના ઓલવાણની સીમમાં રહેતા એક યુવાન ખાણ માલિક અને
તેના મેતાજીને હિસાબ બાબતે બોલાચાલી થતા મેતાજીએ ઉશ્કેરાઇ જઈને માલિકની છાતીમાં
ગોળી ધરબી હત્યા કરી નાખી હતી. આ સમયે યુવાનના પરિવારના સભ્યો બાજુમાં આવેલી સગાની
વાડીએથી પરત આવતા મેતાજી હથિયાર સાથે બહાર નીકળતા જોવા મળ્યો હતો. આ અંગે જાણ થતા
નવાબંદર પોલીસે મેતાજીને પકડી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વધુ વિગત મુજબ ઉના તાલુકાના ઓલવાણની સીમમાં રહેતા
અને ખેતી અને ખાણનો ધંધો કરતા ભુપતભાઇ રાજસીભાઈ રામના પરિવારને ગઈકાલે રાત્રે
બાજુમાં રહેતા કૌટુંબિક ભાઈની વાડીએ જમવાનું હતું. આથી ભુપતભાઇ પત્ની અને પુત્ર
અને પુત્રી ત્યાં મૂકીને ટ્રેકટર લેવા ગયા હતા. બાદમાં ભુપતભાઇ ન આવતા તેના પત્નીએ
ફોન કરતા ભુપતભાઇએ ખાણના હિસાબ માટે મેતાજી ભીમા કરસન ગઢવી આવ્યા હોવાથી તમે તમારી
રીતે આવતા રહેજો એમ કહ્યું હતું.
ભુપતભાઇના પત્ની જશુબેન અને તેના બંને સંતાનોને જેઠ જેઠાણી
ચાલીને વાડીએ મુકવા આવ્યા હતા. તેઓ ઘરના ખૂણા પાસે પહોંચ્યા ત્યારે ફટાકડા ફૂટવા
જેવો અવાજ સંભળાયો હતો. જશુબેન અને તેના જેઠ જેઠાણી ઘરમાં જતા મેતાજી ભીમો ગઢવી
ઓફિસમાંથી બંદૂક જેવા હથિયાર સાથે નીકળતા જોવાં મળ્યો હતો. ઓફિસમાં જતા ભુપતભાઇ
નીચે પડયા હતા અને તેના છાતીના ગોળીથી થયેલી ઇજાના કારણે લોહી નીકળતું હતું. આ અંગે
જાણ થતાં ભુપતભાઇના ભાઈ સહિતના સગા સંબંધીઓ ત્યાં આવી ગયા હતા અને ભુપતભાઇને ઉના
સારવારમાં ખસેડયા હતા. પરંતુ ત્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. ખાણ માલિક
યુવાનની મેતાજીએ હત્યા કર્યાની ઘટનાથી પંથકમાં ચકચાર વ્યાપી ગઈ હતી.
આ અંગે જાણ થતાં ડીવાયએસપી એમ.એફ. ચૌધરી, નવાબંદર મરીન
પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.જે. બાંટવા સહિતના સ્ટાફે ઘટના સ્થળે પહોંચ્યો હતો અને
આરોપી મેતાજીને પકડી લીધો હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે જશુબેન ભુપતભાઇ રામે
ભીમા કરશન ગઢવી સામે ફરિયાદ કરતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ
ધરી છે.