JP Nadda Wife Fortuner Car: ગત મહિને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની પત્નીની ફોર્ચ્યુનર ચોરી થઈ ગઈ હતી. હવે તે ફોર્ચ્યુનર કાર બનારસમાંથી મળી આવી છે. આ ફોર્ચ્યુનર 19 માર્ચે દિલ્હીના ગોવિંદપુરી વિસ્તારમાંથી ચોરાઈ ગઈ હતી. ડ્રાઈવરની ફરિયાદ પર પોલીસે FIR નોંધી હતી અને ત્યારબાદ પોલીસે કારની તલાશ માટે મોટું ઓપરેશન ચલાવ્યુ હતું.
આરોપીઓ આ કારને નાગાલેન્ડ મોકલવાની ફિરાકમાં હતા
આ મામલે પોલીસે જણાવ્યું કે, બડકલના રહેવાસી શાહિદ અને શિવાંગ ત્રિપાઠીની આ SUV કારની ચોરી મામલે ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ ક્રેટા કારમાં સવાર થઈને આ કાર ચોરી કરવા માટે આવ્યા હતા. બડકલ લઈ ગયા બાદ તેમણે ફોર્ચ્યુનરની નંબર પ્લેટ બદલી નાખી અને પછી અલીગઢ, લખીમપુર ખેરી, બરેલી, સીતાપુર, લખનઉ થઈને બનારસ પહોંચ્યા હતા. આરોપીઓ આ કારને નાગાલેન્ડ મોકલવાની ફિરાકમાં હતા. વળી, આ કાર તેમણે ચોરીની કાર ખરીદનારા લોકોની માગ પછી ચોરી હતી.
19 માર્ચના રોજ ફોર્ચ્યુનર ચોરી થઈ હતી
આ મામલે ડ્રાઈવર જોગિન્દરે ફરિયાદમાં જણાવ્યું હતું કે, 19મી માર્ચના રોજ બપોરે 3:00 વાગ્યે તે કાર સર્વિસ સેન્ટરમાં પાર્ક કરીને જમવા માટે ઘરે જતો રહ્યો હતો પરંતુ જ્યારે તે પાછો આવ્યો ત્યારે કાર ગાયબ હતી. પોલીસને મળેલા સીસીટીવી ફૂટેજ પ્રમાણે ફોર્ચ્યુનર છેલ્લે ગુરુગ્રામ તરફ જતી જોવા મળી હતી.
દિલ્હીમાં વાહન ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે
રાજધાની દિલ્હીમાં વાહન ચોરીની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે. આ અંગે એક મીડિયા રિપોર્ટ પણ સામે આવ્યો છે કે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (Delhi-NCR)માં દર 14 મિનિટે વાહન ચોરીની ઘટના બને છે.