Lok Sabha Elections 2024: દેશમાં લોકસભા ચૂંટણી 2024નું રણશિંગું ફૂંકાઈ ગયું છે. તમામ પક્ષો પોતાના ઉમેદવારો જાહેર કરી રહ્યા છે. ત્યારે હવે કોંગ્રેસના સૂત્રો પાસેથી માહિતી મળેલી માહિતી પ્રમાણે રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી શકે છે. શનિવારે કોંગ્રેસ દ્વારા તેના સંકેત આપવામાં આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે રાહુલ ગાંધી આગામી 26 એપ્રિલ બાદ અમેઠી બેઠક પરથી પોતાની ઉમેદવારી નોંધાવશે.
આ દરમિયાન બીજા તબક્કામાં વાયનાડમાં મતદાન થઈ ચૂક્યું હશે જ્યાંથી તેઓ હાલ પક્ષના ઉમેદવાર છે. કોંગ્રેસનું માનવું છે કે ગાંધી પરિવારને આ પરંપરાગત બેઠકો પર પ્રચાર કરવાની બહુ જરૂર નથી. કદાચ આ જ કારણસર પક્ષે અત્યાર સુધી બંને બેઠક પર પોતાના કાર્ડ ખોલવાનું ટાળ્યું છે.
અમેઠી બેઠક પર આગામી 20 મેના રોજ પાંચમા તબક્કામાં મતદાન
ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક પર આગામી 20 મેના રોજ પાંચમા તબક્કામાં મતદાન થશે. 27મી એપ્રિલથી અહીં નોમિનેશન પ્રક્રિયા શરૂ થશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ મતદાન પહેલા વાયનાડના મતદારોને એ સંદેશ આપવા નથી માગતી કે રાહુલ ગાંધી આ બેઠક છોડી શકે છે અથવા તો વાયનાડના વિકલ્પ તરીકે અમેઠી બેઠક પણ છે. એટલા માટે હજુ સુધી કોંગ્રેસે વ્યૂહરચના હેઠળ અમેઠીના ઉમેદવારની જાહેરાત નથી કરી. 2019ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી અમેઠીની સાથે જ કેરળની વાયનાડ બેઠક પરથી પણ ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા, પરંતુ તેઓ અમેઠીમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સામે ચૂંટણી હારી ગયા.
બીજા તબક્કાની ચૂંટણી માટે કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર
કોંગ્રેસે ઉત્તર પ્રદેશમાં બીજા તબક્કાની યોજાઈ રહેલી ચૂંટણી માટે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ તબક્કાના સ્ટાર પ્રચારકોમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, ઉત્તર પ્રદેશના પ્રભારી અવિનાશ પાંડે, પ્રદેશ અધ્યક્ષ અજય રાય, આરાધના મિશ્રા મોના, સલમાન ખુર્શીદ, સુખવિંદર સિંહ સુખ્ખુ, અશોક ગેહલોત, પ્રમોદ તિવારી, સચિન પાયલટ, નિર્મલ ખત્રી, રાજ બબ્બર, પી.એલ. પુનિયા સહિત પક્ષના 40 નેતાઓ સામેલ છે.