ફી નિર્ધારણ સમિતિ હોવા છતાં મનફાવે તેમ વધુ ફી વસુલતી ખાનગી શાળાઓ : ધો. 10ની પરીક્ષા બાદ પરિણામ આવે તે પહેલાં જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી રૂપિયા ભેગા કરવા શિક્ષણ કાર્ય શરૂ કરવા સામે વિરોધ : ત્રણ દિવસમાં પગલાં નહીં લેવાય તો આંદોલન
રાજકોટ, : ધો. 10ની પરીક્ષા પુરી થયા બાદ વિદ્યાર્થીઓને નિયમ મુજબ વેકેશન હોય છે પરંતુ રાજકોટની ધંધાદારી સ્કુલો પોતાના આર્થિક હિતને ધ્યાને લઇ ધો. 10નું પરિણામ આવે તે પહેલાં જ ધો. 11માં એડમિશન આપી ભણાવવાનું ચાલુ કરી દેતાં તેના વિરોધમાં આજે રાજકોટની જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ ઉગ્ર રજૂઆત કરી વિદ્યાર્થીઓનાં પ્રશ્ને તાકીદે ઘટતું કરવાની માંગ સાથે શાબ્દિક તડાફડી બોલાવી હતી.
રાજકોટમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ખાનગી શાળાઓ આવેલી છે. આ ખાનગી શાળાઓની ફીમાં મનફાવે તેમ વધારો કરવામાં આવતો હોવા છતાં ફી નિર્ધારણ સમિતિ માત્ર તમાશો જુએ છે. કોઇ આક્રમક પગલાં લેતી નથી. ફી નિર્ધારણની બાબતમાં વિદ્યાર્થી કે વાલીને રાહત થાય તેવા કોઇ પગલાં લેવાતા નહીં હોવાથી આજે વિદ્યાર્થી કાર્યકરો જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ રજૂઆત માટે ધસી ગયા હતાં. જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે રાજકોટમાં 70 ટકા ખાનગી સ્કૂલોએ શિક્ષણને માત્ર વેપાર સમજી લીધો છે. ધો. 10નું પરિણામ આવ્યું કે બીજા દિવસથી ધો. 11માં ફી વસૂલી એડમિશન આપી શિક્ષણકાર્ય ચાલુ કરી દીધું છે. આ પ્રકારની નિયમ વિરૂધ્ધની કાર્યવાહી સામે ડીઈઓએ કડક પગલાં લેવા જોઇએ. તાકીદે પરિપત્ર કરીને શિક્ષણ કાર્ય બંધ કરાવવું જોઇએ. આ પ્રકારની રજૂઆત દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારીએ વિદ્યાર્થીઓનાં પ્રશ્ને તાકીદે પરિપત્ર જાહેર કરી જો કોઇ શાળા વધુ ફી લેતી હોય તો તાકીદે પરિપત્ર જાહેર કરી આ પ્રકારની શાળાઓ સામે પગલાં લેવા જોઇએ તેમજ વેકેશનમાં શાળા ચાલુ રાખી ન શકા તેવો પરિપત્ર જાહેર કરવા માંગ સાથે ખાનગી શાળાની તરફેણનો આક્ષેપ કરવામાં આવતાં શિક્ષણાધિકારી ઉશ્કેરાયા હતાં. તેમજ હું પરિપત્ર નહીં કરૂં-નિયમ મુજબ મારે મંજૂરી લેવી પડે તેમ કહેતા વિદ્યાર્થી કાર્યકરોએ ડીઈઓ કચેરીમાં જ શ્રી રામ જય રામની ધૂન શરૂ કરી ડીઇઓને સદબુધ્ધિ દે ભગવાન શરૂ કર્યું હતું. તેમજ હાય રે ડીઈઓ હાય-હાયના નારાગ લગાવવાનાં શરૂ કરતાં મામલો ગરમાયો હતો. શાબ્દિક તડાફડી બાદ કોઇ ઉકેલ નહીં આવતાં છેવટે પોલીસે દરમિયાનગીરી કરી વિદ્યાર્થીઓ કાર્યકરોની અટકાયત કરી હતી. વિદ્યાર્થી કાર્યકરોએ જણાવ્યું હતું કે વિદ્યાર્થી બદલે શાળાનું હિત જાળવવાની વાતો કરતા ડીઇઓ 3 દિવસમાં પગલાં નહીં લ્યે તો આગામી દિવસોમાં ડીઈઓ કચેરી સામે વાલીઓ અને વિદ્યાર્થીઓને લઇને ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે.