ગાંધીગ્રામ પોલીસ મથકમાં મંડળીના ચેરમેન અને તેની પત્ની સામે ગુનો

એફડી લેવા જતાં ચેરમેને ધાકધમકી આપી જ્યારે તેની પત્નીએ વૃધ્ધાને ધક્કો મારી પછાડી દીધા

રાજકોટ: રાજકોટના રૈયા રોડ પર વૈશાલીનગર-૭માં આવેલી મેસન ક્લબ ક્રેડીટ કો.ઓપરેટિવ સોસાયટીના ચેરમેન પરાગ અનિલભાઈ સોલંકી અને તેની ડાયરેક્ટર પત્ની ઉર્મિબેને એક વૃધ્ધાને ૬ એફડીની એકંદરે રૂા. ૩૩.૫૦ લાખની રકમ પરત નહીં આપી વિશ્વાસઘાત, છેતરપિંડી કર્યાની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી છે.

રૈયા રોડ પરના વૈશાલીનગર શેરી નં. ૬/૭માં સાગર એપાર્ટમેન્ટમાં રહેતા અરૂણાબેન મનસુખભાઈ પોરીયા (ઉ.વ.૭૫)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેનો મોટો પુત્ર વિપુલ આઠેક વર્ષથી પરિવાર સાથે જર્મની રહે છે. નાનો પુત્ર જયેશ હાલ તેની સાથે રહે છે. પતિનું ગયા વર્ષે અવસાન થયું હતું. પતિ હયાત હતા ત્યારે જ્ઞાાતિના પરાગની મંડળીમાં પોતાનું અને પતિના નામનું સંયુક્ત ખાતુ ખોલાવ્યું હતું. તે વખતે પરાગે પોતાની મંડળીમાં રોકાણ કરવાથી સારું એવું વળતર વ્યાજ સહિત આપવાની વાત કરી હતી.

એટલું જ નહીં જ્યારે માંગશો ત્યારે વ્યાજ સહિત તમે રોકેલા રૂપિયા પરત આપીશ તેવી પણ ખાતરી આપી હતી. જેને કારણે તેની મંડળીમાં ૬ એફડી ખોલાવી હતી. ત્યારબાદ સમયાંતરે વ્યાજની રકમ મળતી હતી. પતિનું અવસાન થયા બાદ મંડળીને લેખિતમાં તે અંગે જાણ કરી હતી. હાલમાં આર્થિક પરિસ્થિતિ નબળી થતા પોતે પુત્ર જયેશ સાથે એફડી વટાવવા ગયા ત્યારે પરાગે ગલ્લાતલ્લા કરી સમય પસાર કર્યો હતો.

તેની પાસે કુલ કેટલી મૂડી જમા છે અને હાલમાં કોણ નોમિની છે તેની વિગતો માંગતા જણાવી ન હતી. જેને કારણે તેના પુત્ર જયેશે ગયા વર્ષે જિલ્લા રજીસ્ટ્રાર ખાતે અરજી કરી હતી. આ પછી અવારનવાર પરાગ અને તેની પત્નીને પાકતી મૂદતે થાપણો આપવા માટે રજૂઆત કરતાં હતાં. પરંતુ બંને સરખો જવાબ આપતા ન હતા. છેલ્લે જાન્યુઆરી માસમાં રૂબરૂ જતાં ટેકનિકલ એરરને કારણે પાસબૂકમાં નોંધ થઇ શકશે નહીં તેમ જણાવી દીધું હતું.

આ રીતે અવારનવાર ધક્કા ખવડાવી પાસબૂકમાં એન્ટ્રી પણ કરી આપતા ન હતાં. તેને કારણે પોતાની કેટલી થાપણો છે તે વિશે કોઇ માહિતી મળતી ન હતી. જેને કારણે શંકા જતા ગત ફેબુ્રઆરી માસમાં આરટીઆઈ કરી હતી. એટલું જ નહીં પુત્ર જયેશે પાસબૂક ચેક કરતાં તેમાં એન્ટ્રીઓ પણ નહીં થઇ હોવાની માહિતી મળી હતી. ગત વર્ષે તેનો પુત્ર જયેશ એક એફડી પાકતા તેની રકમ ઉપાડવા ગયો હતો. તે વખતે કેશિયરે માતાને લઇ આવવાનું કહેતા પુત્ર તેને લેવા આવ્યો હતો.

ત્યારબાદ બંને મડળીની ઓફિસે જતાં પરાગે ઉશ્કેરાઇ જઇ કહ્યું કે મારાથી હવે આમાં કાંઇ નહીં થાય, તમારે કોર્ટમાં જવું હોય તો જાવ. સાથોસાથ એમ પણ કહ્યું કે તમારા દિકરાને જીવતો જોવો હોય તો બીજે કયાય અરજી કરતાં નહીં, એફડીની રકમ લેવા પણ આવતા નહીં. આ વાત સાંભળી ગભરાઇ જતાં તત્કાળ રીક્ષામાં ઘરે પહોંચ્યા હતાં. તે વખતે ઘરની બહાર ઉર્મિબેન મળી ગયા હતા. જેને પણ એફડીની રકમ પરત આપવા આજીજી કરતાં ઉશ્કેરાઇ જઇ ગાળો ભાંડી તેને ધક્કો મારી રોડ પર પછાડી દીધા હતા. સાથોસાથ હવે પછી મંડળીએ આવશો તો જીવતા નહીં રહો તેવી ધમકી પણ આપી હતી. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *