Image:Social Media
Hardik Pandya At Somnath Temple : IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સ માટે હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ અત્યાર સુધી નિષ્ફળ રહી છે. મુંબઈએ ત્રણ મેચ રમી છે, જેમાં તેને ત્રણેયમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હવે સતત ત્રણ હાર અને ભયંકર ટ્રોલિંગ વચ્ચે મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા ભગવાનની શરણમાં પહોંચી ગયો છે. મુંબઈ આ સિઝનમાં તેની આગામી ચોથી મેચ રવિવાર, 07 એપ્રિલના રોજ તેના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ સામે રમશે.
હાર્દિકે શેર કર્યો વીડિયો
મુંબઈ ઇન્ડિયન્સે તેની છેલ્લી મેચ રાજસ્થાન સામે રમી હતી. આ દરમિયાન MIના ખેલાડીઓએ બ્રેકનો અલગ અલગ રીતે ઉપયોગ કર્યો હતો. આ દરમિયાન કેપ્ટન હાર્દિક ગુજરાતના સોમનાથ મંદિરે પહોંચ્યો હતો. હાર્દિક પંડ્યાએ તેનો મંદિરમાં પૂજા કરતો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં હાર્દિક સંપૂર્ણ વિધિ સાથે પૂજા કરતો જોવા મળે છે.
મુંબઈ ઇન્ડિયન્સને સતત ત્રણ હાર મળી
મુંબઈ ઈન્ડિયન્સે IPL 2024ની તેની પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સ સામે રમી હતી. આ મેચમાં મુંબઈને 6 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી MIએ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે આ સિઝનની બીજી મેચ રમી. જેમાં મુંબઈને 31 રને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ રાજસ્થાન રોયલ્સ સામે વાનખેડેના હોમ ગ્રાઉન્ડ પર ત્રીજી મેચમાં ચાહકોને આશા હતી કે MI આ સિઝનમાં હોમ ગ્રાઉન્ડ પર મેચ જીતી ખાતું ખોલશે, પરંતુ એવું થઈ શક્યું નહીં. રાજસ્થાને મુંબઈને 6 વિકેટે કારમી હાર આપી હતી. હવે દિલ્હી કેપિટલ્સ સામે રમાનાર આગામી મેચમાં મુંબઈ કેવું પ્રદર્શન કરે છે તે જોવું રસપ્રદ રહેશે.