Virat Kohli : IPL 2024ની 19મી મેચમાં આજે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ટક્કર થવાની છે. બંને ટીમો વચ્ચેની આ મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં RCBના સ્ટાર બેટર વિરાટ કોહલીની નજર એબ રેકોર્ડ પર રહેવાની છે. કોહલી પાસે આજે RR સામે સૌથી વધુ રન બનાવનાર બેટરની લિસ્ટમાં ટોપ પર પહોંચવાની તક છે. આ સાથે તે એક ટીમ (RCB) માટે 8,000 રન બનાવનાર દુનિયાનો પ્રથમ બેટર પણ બની શકે છે.
કોહલી પાસે ધવનથી આગળ નીકળવાની તક
વિરાટ કોહલીએ રાજસ્થાન રોયલ્સની ટીમ વિરુદ્ધ અત્યાર સુધી 29 મેચમાં 25.74ની એવરેજ સાથે 618 રન બનાવ્યા છે. જો વિરાટ આજે રાજસ્થાન સામે વધુ 62 રન બનાવશે તો તે આ ટીમ સામે સૌથી વધુ રન બનાવનાર બેટર બની જશે. હાલમાં આ યાદીમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવન ટોપ પર છે. ધવને રાજસ્થાન રોયલ્સ સામે 679 રન બનાવ્યા છે. જ્યારે એબી ડી વિલિયર્સ 652 રન સાથે બીજા, કે.એલ રાહુલ 637 રન સાથે ત્રીજા, સુરેશ રૈના અને દિનેશ કાર્તિક 630 રન સાથે સંયુક્ત રીતે ચોથા સ્થાને છે.
કોહલી આવું કરનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર બનશે
વિરાટ કોહલીએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે અત્યાર સુધી રમાયેલી 256 મેચોમાં 37.75ની એવરેજથી 7,890 રન બનાવ્યા છે. જેમાં IPLની સાથે સાથે ચેમ્પિયન્સ લીગ પણ સામેલ છે. જો વિરાટ આજે વધુ 110 રન બનાવવામાં સફળ થશે તો તે એક ટીમ માટે 8,000 રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટર બની જશે.