– ગૂગલ વોલેટ હાલમાં 80 દેશોમાં કાર્યરત છે
– ગૂગલનું ડિજિટલ વોલેટ પ્લેનના બોર્ડિંગ પાસ, લોયલ્ટી કાર્ડ, મૂવી, ઇવેન્ટ્સ ટિકિટ્સ, પાસને સ્ટોર કરી શકશે
નવી દિલ્હી : ટેકનોલોજી જાયન્ટ ગૂગલે બુધવારે ભારતમાં એન્દ્રોઇડ યુઝર્સ માટે ગૂગલ વોલેટ એપ લોન્ચ કર્યુ છે. તેના દ્વારા તેઓ પ્લેનનાા બોર્ડિંગ પાસ, લોયલ્ટી કાર્ડ, ઇવેન્ટ ટિકિટ્સ અને પબ્લિક ટ્રાન્સપોર્ટના પાસને સુરક્ષિત રીતે સ્ટોર કરે છે. ડિજિટલ વોલેટ ભારતમાં બુધવારથી લોન્ચ થયું છે અને તે વર્તમાન ગૂગલ પે સાથે પૂરક સર્વિસ તરીકે હશે, એમ ટોચના અધિકારીએ જણાવ્યું હતું.
ગૂગલમાં જીએમ અને ઇન્ડિયા એન્જિનિયરીંગ લીડના વડા રામ પપટલાએ જણાવ્યું હતું કે ગૂગલ પે ક્યાંય જવાનું નથી અને તે અમારી મુખ્ય પેમેન્ટ એપ રહેશે, ગૂગલ વોલેટ મુખ્યત્વે નોન-પેમેન્ટ યુઝના કેસમાં અમલી બનશે.ગૂગલ વોલેટ હાલમાં ૮૦ દેશોમાં કાર્યરત છે.
તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારની સર્વિસ પાછળનો વિચાર ઓપન સોફ્ટવેરનો છે, તેમા કેરિયર્સ, ઓઇએમ (ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ) અને ડેવલપર્સ તેમની જબરજસ્ત પ્રોડક્ટ બનાવી શકે.
નવી સર્વિસમાં ગૂગલે એર ઇન્ડિયા, ઇન્ડિગો, ફ્લિપકાર્ટ, પાઇન લેબ્સ, કોચી મેટ્રો, પીવીઆર અને આઇનોક્સ સહિત ૨૦ ભારતીય બ્રાન્ડ્સ સાથે ભાગીદારી કરી છે અને જણાવ્યું હતું કે આગામી મહિનાઓમાં વધુને વધુ ભાગીદારો જોડાશે.
ગૂગલ વોલેટ દ્વારા લોકો તેમની મૂવી, ઇવેન્ટ ટિકિટ સ્ટોર કરી શકશે, પ્લેનના બોર્ડિંગ પાસનું એક્સેસ મેળવી શકશે, મેટ્રો ટિકિટસ સ્ટોર કરી શકાશે, ઓફિસ-કોર્પોરેટ બેજીસ સ્ટોર કરી શકાશે અને ફિઝિકલ ડોક્યુમેન્ટને ડિજિટાઇઝ કરી શકાશે. બીજા શબ્દોમાં કહીએ તો તમારા ફોનની અંદરનું ગૂગલ વોલેટ એક રીતે તમારા દસ્તાવેજો માટે ડિજીલોકરની ગરજ પણ સારશે.