Image Source: Twitter
Supreme Court attacks on IMA: બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદ સામે ભ્રામક જાહેરાતનો કેસ દાખલ કરનાર IMAની જ હવે સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢી છે. કોર્ટની ફટકાર બાદ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણે અંગત રીતે માફી માંગી હતી. ત્યારબાદ અખબારોમાં જાહેરાતો દ્વારા પણ માફી માગવામાં આવી હતી. ત્યારબાદ IMA અધ્યક્ષ ડો. આરવી અશોકને ઈન્ટરવ્યુમાં એક નિવેદન આપ્યું હતુ, જેના કારણે તેઓ ટાર્ગેટ પર છે. કોર્ટની સુનાવણી દરમિયાન એલોપેથી ડોક્ટરો પર કરવામાં આવેલી ટિપ્પણીઓ વિશે વાત કરતી વખતે અશોકને ખંડપીઠ પર જ સવાલો ઉઠાવ્યા હતા. તેની જ સામે હવે પતંજલિએ IMA પર અવમાનનાની અરજી દાખલ કરી છે.
સુપ્રીમ કોર્ટે IMAની ઝાટકણી કાઢી
આ અંગે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે IMAની ઝાટકણી કાઢી હતી. આ રીતે નજારો બદલાતો નજર આવ્યો હતો અને જે કોર્ટ અત્યાર સુધી પતંજલિની ઝાટકણી કાઢી રહી હતી તેણે જ IMAના વલણ પર સવાલો ઉઠાવ્યા છે. જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અમાનુલ્લાહની ખંડપીઠે કહ્યું કે, તમે પતંજલિ પર ભ્રામક જાહેરાત માટે સવાલ ઉઠાવી રહ્યા હતા. તેમની દવાઓ હટાવવાની માગ કરી રહ્યા છો પરંતુ તમે શું કરી રહ્યા છો? તેના પર IMA તરફથી હાજર રહેલા વકીલ પીએસ પટવાલિયાએ કહ્યું કે અમે કોર્ટની પ્રશંસા કરીએ છીએ. પરંતુ આરવી અશોકને એક સવાલ ઉઠાવ્યો હતો જે મુખ્ય બાબત છે.
વકીલે કહ્યું કે, IMA અધ્યક્ષનો કોર્ટ વિશે કંઈ ખોટું કહેવાનો કોઈ ઈરાદો નહોતો. તેના પર ખંડપીઠે કહ્યું કે આ મામૂલી વાત નથી. IMAના અધ્યક્ષે મીડિયા સાથે એવા મામલે વાત કરી છે જેના પર કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. એટલું જ નહીં કોર્ટે કહ્યું કે IMAના વકીલનો જવાબ અમને સંતુષ્ટ કરી શકે તેવો નથી. ખંડપીઠે કહ્યું કે, એ જુઓ કે તેમણે પોતાનું જ શું નુકસાન કરી દીધુ છે. કદાચ અમે તમને એક મોકો આપી શકીએ. જસ્ટિસ કોહલીએ કહ્યું કે, એક વાત અમે સ્પષ્ટ કરી દઈએ છીએ કે કોર્ટ એ અપેક્ષા નથી રાખતી કે કોઈ પીઠ પાછળથી હુમલો કરે. આ કોર્ટને પણ ટીકાનો સામનો કરવો પડ્યો છે.
અમને આગામી સુનાવણી સુધી તક આપવામાં આવે
આ અંગે IMAના વકીલ પીએસ પટવાલિયાએ કહ્યું કે અમને આગામી સુનાવણી સુધી તક આપવામાં આવે. વકીલે કહ્યું કે, IMAના અધ્યક્ષ માફી માંગે છે. તેમને એ સમજાઈ ગયુ છે કે તેણે મોં બંધ રાખવું જોઈતું હતું. તેના પર કોર્ટે કહ્યું કે, જોઈએ કે કેસ કેવી રીતે આગળ વધે છે. કોર્ટનો નિર્ણય તમને પણ તેટલો જ લાગુ પડે છે જેટલો તે પતંજલિ આયુર્વેદને લાગુ પડે છે. IMAના અધ્યક્ષના ઈન્ટરવ્યુ અંગે આચાર્ય બાલકૃષ્ણએ અરજી દાખલ કરી હતી, જેઓ પતંજલિ આયુર્વેદના એમડી છે.