West Bengal Job Scam Case: બંગાળ શાળા સેવા આયોગની લગભગ 25,000 નિમણૂકોને રદ કરવાના કલકત્તા હાઈકોર્ટના આદેશ સામેની અપીલ પર સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી હાથ ધરી હતી, જેમાં દેશના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચૂડ (CJI DY Chandrachud)ના નેતૃત્વ હેઠળની બેંચે પશ્ચિમ બંગાળ સરકારને કડક પ્રશ્નો પૂછ્યા હતા. સીજેઆઈએ શરૂઆતમાં બંગાળ સરકારને પૂછ્યું કે, ‘ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને કોર્ટમાં પડકારવામાં આવી હોવા છતાં તમે વધારાના પદો કેમ ઉભા કર્યા અને વેઈટિંગ લિસ્ટમાં સામેલ ઉમેદવારોની નિમણૂક કેમ કરી?’

‘એવું પણ નથી કે 25000 નિમણૂકો ગેરકાયદે છે’

કલકત્તા હાઈકોર્ટના આદેશનો ઉલ્લેખ કરી બંગાળ સરકારના વકીલ નીરજ કિશન કૌશલે દલીલ કરી કે, ‘શું હાઈકોર્ટના આદેશને યથાવત્ રાખી શકાય છે.’ તો સીજેઆઈએ કૌશલને કહ્યું કે, ‘એવું પણ નથી કે 25000 નિમણૂકો ગેરકાયદે છે? ટિચર-ચાઈલ્ડ રેશિયો બધામાં ગડબડ થઈ ગઈ છે.’

બંગાળ શાળા સેવા આયોગના સિનિયર વકીલ જયદીપ ગુપ્તાએ તર્ક આપ્યો કે, ‘હાઈકોર્ટની બેંચ પાસે નોકરીઓ રદ કરવાનો અધિકાર નથી અને તેમનો આદેશ સુપ્રીમ કોર્ટના નિર્ણયથી વિપરીત છે.’

જ્યારે સીજેઆઈએ ગુપ્તાને પૂછ્યું કે, ‘શું ઓએમઆર શીટ અને આન્સર શીટની સ્કેન કરેલી કોપીઓ નષ્ટ કરી દેવામાં આવી છે?’ તો ગુપ્તાએ પોઝિટિવ જવાબ આપતા કોર્ટે કહ્યું કે, ‘આટલા સંવેદનશીલ મામલે ટેન્ડર જારી કેમ કરવામાં ન આવ્યું?’

સીજેઆઈએ બંગાળ શાળા સેવા આયોગને તતડાવ્યા

સીજેઆઈએ ગુપ્તાને કહ્યું કે, ‘આ શીટોની ડિજિટલ કોપી રાખવી આયોગની જવાબદારી છે.’ તો આયોગના વકીલે જવાબ આપ્યો કે, ‘ડિજિટલ કોપી રાખવાની જબદારી તે એજન્સી પાસે છે, જેને આઉટસોર્સ પર કામ અપાયું છે.’ તો સીજેઆઈએ પૂછ્યું કે, ‘તે એજન્સી ક્યા છે? સીબીઆઈને તે એજન્સી મળી નથી. આ કામ તમારી પાસે નહીં, પરંતુ આઉટસોર્સથી ચાલી રહ્યું છે. શું આ રીતે આઉટસોર્સથી કામ આપવાથી સુરક્ષા પ્રોટોકલનું સૌથી મોટું ઉલ્લંઘન થઈ શકે છે?’ સીજેઆઈએ કહ્યું કે, તેમને માત્ર સ્કેનિંગ માટે કામ પર રખાયા હતા અને તમે સંપૂર્ણ ડેટા રાખવા આપી દીધો. એજન્સીએ ડેટા લઈ લીધો હોય, તેવું તમે કહી ન શકો. લોકોના ડેટા રાખવાની જવાબદારી તમારી છે’

‘…તો લોકોનો વિશ્વાસ ઉઠી જશે’

સીજેઆઈએ આયોગના વકીલને પૂછ્યું કે, ‘શું આયોગે પોતાની પાસે ડેટા હોવાનું આરટીઆઈ અરજી કરનારાઓને ખોટું કહ્યું હતું? તમારી પાસે કોઈપણ ડેટા નથી.’ તો ગુપ્તાએ જવાબ આપ્યો કે, ‘હા એવું થઈ શકે છે.’ જ્યારે તેમણે પૂછ્યું કે, ‘શું હાઈકોર્ટના આદેશ નિષ્પક્ષ હતા?’ તો સીજેઆઈએ જવાબ આપ્યો કે, ‘પરંતુ આ પ્રણાલીગત છેતરપિંડી છે. આજના સમયમાં જાહેર નોકરીઓ મળતી ઘણી મુશ્કેલ છે અને તેને સામાજિક ગતિશીલતાના સ્વરૂપ તરીકે જોવામાં આવે છે. જો તેમની નિમણૂકો પણ બદનામ થાય છે તો પછી તંત્રમાં શું બાકી રહે છે? લોકોનો વિશ્વાસ ઉઠી જશે, તમે આ કેવી રીતે સ્વીકારશો?’

‘હાઈકોર્ટના નિર્ણયમાં આયોગની અનિયમિતતાની કોઈ વાત નહીં’

આયોગના વકીલ સંજય હેગડેએ કહ્યું કે, ‘આયોગની અનિયમિતતાઓ અંગે હાઈકોર્ટના નિર્ણયમાં કશું કહેવાયું નથી. જો આપણે અધવચ્ચે એક પેઢીને ખોઈ નાખીશું તો આપણે ભવિષ્ય માટેના સીનિયર હેડમાસ્ટરો અને નિરિક્ષકોને ખોઈ દઈશું. એ યાદ રહે કે, આમાંથી ઘણા લોકોને નોટિસ મળી નથી.’

25000થી વધુ શિક્ષકોની નિમણૂક રદ કરવાનો ઈન્કાર

સુપ્રીમ કોર્ટે ગત અઠવાડિયે હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો હતો, જેમાં સીબીઆઈને શિક્ષક ભરતી કૌભાંડના સંબંધમાં બંગાળ સરકારના અધિકારીઓની તપાસ કરવા કહેવાયું હતું. તેણે 25000થી વધુ ટીચિંગ અને નોન-ટીચિંગ સ્ટાફની નિમણૂકો રદ કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે એ પણ પૂછ્યું હતું કે, શું હાલની સામગ્રીના આધારે માન્ય અને ગેરકાયદેસર નિમણૂકોને અલગ પાડવું શક્ય છે. રાજ્ય સરકારે દલીલ કરી કે, હાઇકોર્ટે પોતાની મનમાનીથી નિમણૂકો રદ કરી હતી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *