– આ સાડી ઉત્સવમાં ભારતીય મહિલાઓ ઉપરાંત બાંગ્લાદેશ, નેપાળ, યુ.કે., યુએસ, યુએઈ, યુગાન્ડા, ટ્રિનિડાડ અને બ્રિટિશ તથા ફ્રેન્ચ ગુઆનાની યુવતીઓ જોડાઈ હતી
ન્યૂયોર્ક : ન્યૂયોર્કના સ્મૃતિ ચિન્હ સમાન ટાઇમ્સ સ્કવેરમાં બહુવિધ રંગીન અને કલા બાહુલ્ય ધરાવતી સાડીઓ પહેરી આશરે ૫૦૦થી વધુ યુવતીઓ અને મહિલાઓને ટાઇમ્સ સ્કવેરને રંગસભર બનાવી દીધો હતો. વિશ્વનાં આર્થિક પાટનગર તરીકે ઓળખાતા આ મહાનગરમાં અનેક ભારતવંશીય યુવતીઓ અને મહિલાઓ તો આ પ્રદર્શનમાં ઉપસ્થિત હતી તે ઉપરાંત બાંગ્લાદેશ, નેપાળ, યુ.કે. અને યુએસ તથા યુએઈ, કેન્યા, યુગાન્ડા, સાઉથ આફ્રિકાની મહિલાઓ અને યુવતીઓએ તો રસપૂર્વક ભાગ લીધો જ હતો. દૂર સુદૂર, દક્ષિણ અમેરિકાના ઉત્તર ભાગમાં કેરેબિયન ચીના તટે રહેલા બ્રિટિશ ગુયાના અને ફ્રેન્ચ ગુયાના તેમજ કેરેબિયન ટાપુઓમાં વસતી ભારતવંશીય યુવતીઓ અને મહિલાઓ પણ જ્યારે આ મહાનગરનાં સ્મૃતિ ચિન્હ સમાન ટાઇમ્સ સ્કવેર અને ત્યાંના માર્ગો ઉપરથી પસાર થઈ ત્યારે આસપાસના ઘરોમાં રહેલા અમેરિકન્સ વિશેષત: અમેરિકન મહિલાઓ પણ માર્ગોની ફૂટપાથો ઉપર ઉભા રહી તેઓને અભિવાદન કરી રહ્યા છે. માર્ગો પરના મકાનોમાં આવેલી બારીઓમાંથી પણ અમેરિકન તથા ત્યાં સ્થિર થયેલા ભારવંશીઓની મહિલાઓ અને યુવતીઓ આ યાત્રાના યાત્રિકોને અભિવાદન કરતા દેખાતા હતાં. અનેકો પોતાના હાથરૂમાલો ફરકાવી, આ સાડી પ્રદર્શનકારીઓને પ્રોત્સાહિત કરી રહ્યા હતાં.
વિદ્વાનોએ સાવ સાચુ જ કહ્યું છે કે, ભારત તે માત્ર એક ભૌગોલિક એકમ જ નથી. ભારત મૂળભૂત રીતે તો એક સાંસ્કૃતિક એકમ છે. આ પ્રદર્શન દ્વારા ભારતવંશીય યુવતીઓએ અને મહિલાઓએ તે સિદ્ધ કરી દીધું છે. ભારતીય સંસ્કૃતિ દુનિયાના લગભગ તમામ દેશોમાં પ્રસરી રહી છે. તેને પગલે ભારતનો રાજકીય પ્રભાવ પણ પ્રસર્યો છે. ઇંગ્લેન્ડમાં ભારત વંશીય વડાપ્રધાન છે. અમેરિકામાં ભારતવંશીય ઉપપ્રમુખ છે. પૂર્વમાં પાપુઆના ન્યૂગીનીમાં ભારતવંશીય પ્રમુખ છે. થાઇલેન્ડમાં સંસ્કૃત વિદ્યાલયો છે. ઇન્ડોનેશિયા અને મલેશિયાની તથા સિંહલ સહિત ભારતીય ઉપખંડની અને તિબેટની ભાષાનાં મૂળ સંસ્કૃતમાં છે.