એક અસામાન્ય વિશ્લેષણ
અમેરિકા-જાપાન અને જાપાન-ભારતની તાલબદ્ધતા તથા ‘ક્વોડ’ ઈન્ડો-પેસિફિકને મુક્ત સુરક્ષિત રાખવા જરૂરી છે
નવી દિલ્હી: એપ્રિલની ૧૦મીએ અમેરિકાના પ્રમુખ જો બાયડેન અને જાપાનના વડાપ્રધાન કીશીદા ફુમીયો વચ્ચે યોજાયેલી મંત્રણામાં જાપાન-અમેરિકાના સબંધોને વ્યૂહાત્મક સહકાર સુધી લઈ જવા નિર્ણય લેવાયો હતો. આ સાથે જાપાન-અમેરિકાના સંબંધો નવા જ સ્તરે પહોંચી ગયા છે, તેમજ એશિયાની સલામતી અંગે પણ તે મહત્વની ભૂમિકા ભજવશે તે નિશ્ચિત છે.
બીજી તરફ જાપાન-ભારત સંબંધો પણ ગાઢ બની રહ્યા છે. નવી દિલ્હીનાં ભૂ-રાજકીય ગણિતમાં ભારત-જાપાનના સંબંધો મહત્વના છે. વાત બહુ સ્પષ્ટ છે. એક તરફ ઈન્ડો-પેસિફિક વિસ્તારમાં ચીનની દાદાગીરી વધતી જાય છે. તેથી પૂર્વમાં ફીલીપાઈન્સ અને પશ્ચિમ-દક્ષિણે ઈન્ડોનેશિયા અને મધ્ય એશિયા સુધીના દેશો સાવચેત થઈ ગયા છે.
ચીન ઉપરાંત ઉત્તર કોરિયા પણ તેના ૧૨,૫૦૦ માઇલ સુધી અમુક પ્રહારો કરી શકે તેવા પરમાણુ ટોચકાં (એટમિક વોર હેડસ) ધરાવતાં મિસાઇલ સાથે શિંગડાં ભરાવી રહ્યું છે. તેથી આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિમાં અમેરિકા-જાપાન અને જાપાન-ભારતની વ્યૂહાત્મક ભાગીદારી અનિવાર્ય બની રહી છે. જાપાન-અમેરિકાની જેમ જ ‘ફ્રી એન્ડ ઓપન ઈન્ડો-પેસિફિક વિઝન’નું સમર્થક છે. ભારત પણ તેનું સમર્થક છે. આથી ભારતે જાપાન સાથે ઘનિષ્ટતા કેળવવા પગલાં ભરવા શરૂ કર્યાં છે. તે માટે ભારતે જાપાન સાથેના સંબંધોની દ્રષ્ટિએ, બૌદ્ધધર્મ ઉપરાંત ગુરૂદેવ રવીન્દ્રનાથ ટાગોર અને નેતાજી સુભાષચંદ્ર બોઝના દિવસોની યાદ સાથે ભારત-જાપાન-સંબંધો ઘનિષ્ટ કરવા લાગ્યું છે. બીજી તરફ જાપાને પણ ચીનની દાદાગીરી લક્ષમાં રાખી ભારત સાથે લશ્કરી સંબંધો મજબૂત કરવા નિર્ણય લીધો છે. તે ઉપરાંત આર્થિક સહકાર પણ મજબૂત કરવા પાર્ટનરશિપ-ફોર-ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રકચર એન્ડ ઈન્વેસ્ટમેન્ટ (પીજીઆઈઆઈ) નીચે ભાગીદારી સ્થાપી આર્થિક સંબંધો પણ મજબૂત કરી રહ્યાં છે. ઈન્ફ્રાસ્ટ્રકચર્સ પણ મજબૂત કરી રહ્યાં છે. હવે એફ.ઓ.આઈ.પી. દ્વારા ભારત બંગાળના ઉપસાગર અને પૂર્વોત્તર ભારતની સલામતી પણ વિચારી લીધી છે. આ ઉપરાંત ભારત, અમેરિકા, જાપાન અને ભારત તથા ઓસ્ટ્રેલિયાનાં બનેલા ‘ક્વોડ’નું પણ ભારત સભ્ય છે. ભારતનાં હીત માટે તે અનિવાર્ય છે. નરેન્દ્ર મોદી અને કીશીદા ફુમીયો મિત્ર છે.