Road Accident In Ahmedabad: ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે (30મી એપ્રિલ) અમદાવાદ શહેરના નારોલ-જુહાપુરા વચ્ચે ડમ્પર ચાલકે કારને જોરદાર ટક્કર મારી હતી. મળતી માહિતી અનુસાર, આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થયા હતા અને રોડ પર ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા. હાલ પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.
પીરાણામાં કચરાના ડમ્પર ચાલકો બેફામ બન્યા
અમદાવાદ શહેરમાં પીરાણા વિસ્તારમાં કચરાના ડમ્પર ચાલકો બેફામ બન્યા છે. આ ડમ્પરો દ્વારા અવાર-નવાર લોકોને કચડી નાખવાની ઘટનાઓ બનતી રહે છે. અગાઉ પણ પીરાણા સર્કલ નજીક ડમ્પરે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
રાજ્યમાં છેલ્લા ઘણાં દિવસોથી અકસ્માતની ઘટના વધુ બની રહી છે. ગઈકાલે (29મી એપ્રિલ) રાજ્યમાં ત્રણ ગોઝારા માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના જીવ ગયા છે. બગસરા-જેતપુર હાઈવે પર ખાનગી બસ પલટી મારી જતા બે લોકોના મોત થયા હતા. બીજો અકસ્માત જામનગરના નારણપર ગામના પાટીયા નજીક કાર અને બાઈક વચ્ચે સર્જાયો હતો. જેમાં બાઈકમાં સવાર પતિ-પત્ની મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ત્રીજી ઘટનામાં કલોલ-અડાલજ હાઈવે પર શેરથા નજીક પસાર થઈ રહેલ મોપેડને ટ્રકે ટક્કર મારી હતી. જેમાં મોપેડ ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું.