Virat Kohli, IPL 2024: ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2024 સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના પૂર્વ કેપ્ટન કોહલીએ અત્યાર સુધી 10 મેચમાં 71.42ની એવરેજથી 500 રન બનાવ્યા છે. ગુજરાત ટાઇટન્સ સામે રમાયેલી મેચમાં વિરાટ કોહલીએ જોરદાર પ્રદર્શન કર્યું હતું.
તેણે આ સિઝનની તેની ચોથી ફિફ્ટી ફટકારીને ટીમને જીત અપાવી હતી. તેમજ આ જ સિઝનમાં કોહલીએ એક સેન્ચુરી પણ ફટકારી છે તેમ છતાં કોહલીને તેના નબળા સ્ટ્રાઈક રેટ માટે ઉગ્ર રીતે ટ્રોલ કરવામાં આવ્યો છે. મેચ બાદ કોહલીએ પોતાની સ્ટ્રાઈક રેટને લઈને ઉઠેલા સવાલોના જવાબ પણ આપ્યા અને ટીકાકારોની આકરી ટીકા પણ કરી.
કોહલીએ ટીકાકારોને આપ્યો જવાબ
મેચ બાદ 35 વર્ષીય ખેલાડીએ ટીકાકારોની ઝાટકણી કાઢી હતી. તેણે કહ્યું કે, ‘લોકો મારા રમવાની રીત અને સ્પિનરો સામેની મારી સ્ટ્રગલ વિશે વાત કરી રહ્યા હતા, પરંતુ મારા માટે જીત જ સર્વસ્વ છે. 15 વર્ષથી માત્ર ટીમ માટે મેચ જીતવા અને તેના આત્મસન્માન માટે રમી રહ્યો છે. મેદાનમાં રમવું અને કોમેન્ટ્રી બોક્સમાં કમેન્ટ કરવી એ બંને ખૂબ જ અલગ બાબત છે. હું મારી ટીમ માટે જીતવા માંગું છું. હું માત્ર મારું કામ કરી રહ્યો છું. હું આ રીતે રમું છું અને લોકો જે કહે તે પણ હું મારી રમત સારી રીતે જાણું છું. લોકોને પોતાના વિચારો હોય છે પરંતુ જે 24 કલાક મેદાનમાં હોય છે તેમને જ આ વસ્તુ સમજી શકે કે શું થઈ રહ્યું છે.’
ગાવસ્કરે ઉઠાવ્યા હતા સ્ટ્રાઈક રેટ પર સવાલ
25 એપ્રિલે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમાયેલી મેચમાં કોહલીએ 43 બોલમાં 51 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 11.60 હતો. મેચ બાદ પૂર્વ ભારતીય બેટ્સમેન સુનીલ ગાવસ્કરે કોહલીના સ્ટ્રાઈક રેટ પર સવાલ ઉઠાવ્યા હતા. માનવામાં આવે છે કે સ્ટાર બેટ્સમેને તેને આ જવાબ આપ્યો છે.
ક્રિકેટરો માત્ર સ્વાભિમાન માટે રમે છે
IPL 2024ના પોઈન્ટ ટેબલમાં RCB 10મા સ્થાને છે. ટીમને અત્યાર સુધી રમાયેલી 10 મેચમાંથી માત્ર ત્રણ મેચમાં જ જીત મળી છે. ગુજરાત સામેની જીત બાદ કોહલીએ કહ્યું હતું કે, ‘અમે અમારા સ્વાભિમાન માટે રમીએ છીએ, અમે જે રીતે પહેલા હાફમાં રમ્યા તે રીતે અમે ચાલુ રાખી શક્યા નહીં. અમે અમારા પ્રશંસકો માટે રમવા માગતા હતા. અમે જાણીએ છીએ કે અમે ટુર્નામેન્ટમાં અમારી ક્ષમતા મુજબ રમ્યા નથી. અમે વધુ સારું પ્રદર્શન કરી શકીએ છીએ અને અમે છેલ્લી બે મેચમાં જે કર્યું છે તે ચાલુ રાખવાનો પ્રયાસ કરીશું.’