Image: Freepik
સુરત મહાનગર પાલિકાએ આવકના નવા સ્ત્રોત ઉભો કરવા માટેની કવાયતમાં ટ્રીટેડ વોટર નું વેચાણ કરીને આવક ઉભી કરનાર સુરત પાલિકા દેશની એક માત્ર મહાનગરપાલિકા છે. સુરત પાલિકાએ ત્રણ ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ ( ટીપીપી)માંથી ત્રણ વર્ષમાં ટ્રીટેડ કરેલું પાણી ઉદ્યોગોને વેચીને 340 કરોડની માતબર આવક ઉભી કરી છે. ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંનું ટ્રીટેડ પાણી વેચવામાં મળેલી સફળતા બાદ હવે પાલિકા સેકન્ડરી વેસ્ટ વોટર વેચી આવક ઉભી કરવા માટે આયોજન કરી રહી છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા સૂએઝ વોટરને ટર્શરી ટ્રીટ કરીને ઉદ્યોગોને પાણી આપવાની શરૂઆત કરી હતી. શરૂઆતમાં આ પ્રોજેક્ટ માટે અનેક પડકાર હતા. પરંતુ પીવાનું શુદ્ધ પાણી બચાવવા સાથે ગટરના પાણીનો નિકાલ કરવા માટેની પાલિકાએ અપનાવેલી યોજનાના કારણે પાલિકાની આવક થવા સાથે પર્યાવરણની જાળવણી પણ થઈ રહી છે. સુરત પાલિકા સૂએઝ વોટરને ટ્રીટ કરીને પાંડેસરા અને સચિનના ઉદ્યોગોને 115 એમ.એલ.ડી. પાણી પુરવઠો આપી રહી છે. આ ઉપરાંત સુરત પાલિકાએ બમરોલીમાં 75 એમ.એલ.ડી. અને ડીંડોલીમાં 40 એમ.એલ.ડી.ક્ષમતાનો ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવ્યો છે. આ ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ માંથી સચીનના ઉદ્યોગોને પાણી પુરવઠો આપવામાં આવી રહ્યો છે. આવી રીતે ટર્શરી ટ્રીટ કરેલું પાણી આપીને પાલિકાએ ત્રણ વર્ષમાં 340 કરોડની આવક ઉભી કરી છે.
પાલિકાના બમરોલી ખાતેના 40 એમએલડી અને 35 એમ.એલ.ડી.ના બે તથા ડિંડોલી ખાતે 40 એમએલડી ક્ષમતાનો પ્લાન્ટ બનાવીને પાંડેસરા અને સચિનના ઉદ્યોગોને ઈન્ડસ્ટીયલ ગ્રેડનું પાણી આપવામાં આવી રહ્યું છે. પાલિકાએ બનાવેલા આ ત્રણેય નેટવર્ક પાછળ પાલિકાને 345 કરોડનો ખર્ચ થયો હતો પરંતુ છેલ્લા ત્રણ વર્ષમાં જ 340 કરોડની આવક થઈ છે. સુરત પાલિકાએ ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટને આવકનું માધ્યમ બનાવી દીધું છે ત્યાર બાદ હવે પાલિકા પલસાણાના ઉદ્યોગોને સેકન્ડરી ટ્રીટેડ પાણી આપવા માટે આયોજન કરી રહી છે.