ઇન્દોર,૨૫ એપ્રિલ,૨૦૨૪,ગુરુવાર
સોશિયલ મીડિયામાં બળજબરીથી એક શખ્સ ઉંટને બીડી પીવડાવતો હોવાનું એક ફૂટેજ વાયરલ થયું છે. પ્રાણીઓ પર ક્રુરતા ખૂબ જોવા મળે છે પરંતુ વીડિયોમાં શખ્સનું કૃત્ય ઉડીને આંખે વળગતું હોવાથી લોકો ફિટકાર વરસાવી રહયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર વીડિયો ઇન્દોરના રાઉ સ્થિત એક રાજસ્થાની થીમ પર આધારિત રેસ્ટોરન્ટનો છે. લોકોને આકર્ષવા માટે રાજસ્થાની સંસ્કૃતિનું પ્રતિક ગણાતા રણના વાહન ઉંટને રેસ્ટોરન્ટની બહાર રાખવામાં આવ્યું હતું.
લોકો ઉંટ પાસે ઉભા રહીને ફોટા અને વીડિયોગ્રાફી કરવાનો આનંદ લેતા રહે છે પરંતુ એક શખ્સ સિગારેટ સળગાવીને ઉંટને પરાણે પીવડાવવા પ્રયાસ કરતો જણાય છે. ઉંટ શખ્સની હરકતથી પરેશાન જોવા મળે છે પરંતુ મુંગુ પ્રાણી લાચાર જ રહે છે. આ વીડિયો જોત જોતામાં સોશિયલ મીડિયામાં વાયરલ થતા એનિમલ માટે કાર્ય કરતી સંસ્થાના કાર્યકરે વીડિયોના આધારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. રાઉ પોલીસે અજ્ઞાત વીડિયોમાં દેખાતા અજાણ્યા શખ્સ વિરુધ પશુ ક્રુરતા નિવારણ અધિનિયમની કલમ ૧૧ હેઠળ ફરિયાદ દાખલ કરીને તપાસ શરુ કરી છે.