Lok Sabha Elections 2024: ભારતમાં લોકસભા ચૂંટણીની શરૂઆત થઈ ગઈ છે. તેમજ 19 એપ્રિલે 102 બેઠક માટે પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું. જેમાં લગભગ 60 ટકા જેટલું હતું. મતદાનની અપીલ માટે પ્રચારકો ઘણી જાહેર સભાઓ કરતા હોય છે. તેમજ ઉમેદવારો ઘરે ઘરે જઈને તેમને મત આપવાની અપીલ કરતા હોય છે. 1980ના ચૂંટણી પ્રચાર દરમિયાન પૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી સાથે પણ આવી જ એક ઘટના બની હતી.
લોકોમાં ઈન્દિરા ગાંધીની એક ઝલક જોવાનો અનેરો ઉત્સાહ
ઈન્દિરા ગાંધી (Indira Gandhi) ઉત્તર પ્રદેશના કુશીનગરમાં આવેલા પદરોણામાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા. તેઓ પદરોણાની ઉદિત નારાયણ ઈન્ટર કોલેજમાં જાહેર સભા કરવાના હતા. તે સમયે લોકોમાં ઈન્દિરા ગાંધીની એક ઝલક જોવાનો પણ અનેરો ઉત્સાહ હતો. આથી તેમની સભાના સમય પહેલા જ લોકોની ભીડ તેમની રાહ જોઈ રહી હતી. સભાનો સમય બપોરે 3 વાગ્યાનો હતો પરંતુ ઇન્દિરા ગાંધી ત્યાં સમયસર પહોંચી શક્યા ન હતા.
સભા સ્થળે ઈન્દિરા ગાંધી પંચર થયેલી જીપમાં પહોંચ્યા
જાહેર સભાને સંબોધતા પહેલા જ પ્રચાર દરમિયાન ઈન્દિરા ગાંધીનો કાફલો પદરોણા નિર્ધારિત સમય કરતા સાડા ત્રણ કલાક મોડો એટલે કે સાંજે 6.30 વાગ્યે પહોંચ્યો. જ્યાં કોંગ્રેસના ઉમેદવાર સીપીએન સિંહે તેમને ખુલ્લી જીપમાં બેસાડ્યા અને પોતે જ જીપ ચલાવી રહ્યા હતા. ઈન્દિરા ગાંધી ખુલ્લી જીપમાં ઉભા રહીને લોકોનું અભિવાદન કરી રહ્યા હતા એવામાં તેમની જીપના પાછળના વ્હીલમાં પંચર થઇ ગયું, તેમ છતાં સીપીએન સિંહે આગળ વધવાનું ચાલુ રાખ્યું. પરંતુ ઈન્દિરા ગાંધીનો કાફલો કોલેજ પહોંચ્યો ત્યાં જ અંધારું થઈ ગયું હતું .
ઈન્દિરાનું ભાષણ શરુ થતા જ વીજળી થઈ ગઈ ગુલ
વિશાળ ભીડનો સામનો કરીને જયારે ઈન્દિરા ગાંધી સ્ટેજ પર પહોંચ્યા ત્યારે કોલેજ કેમ્પસ ‘ઈન્દિરા ગાંધી ઝિંદાબાદ’ના નારાથી ગૂંજી ઉઠ્યું હતું. એવામાં જયારે ઈન્દિરા ગાંધીએ જનતાનું અભિવાદન કરીને ભાષણ આપવાનું શરુ કર્યું ત્યારે અમુક મિનિટોમાં જ વીજળી ગુલ થઈ ગઈ અને પ્રયત્ન કરવા છતાં પણ જનરેટર ચાલુ ન થયું. જેથી ઈન્દિરા ગાંધીના સુરક્ષાકર્મીઓએ ટોર્ચથી સ્ટેજ પર અંજવાળું કરી દીધું અને ઈન્દિરા ગાંધીએ ટોર્ચના અંજવાળામાં ભાષણ આપ્યું હતું.
ટોર્ચના અંજવાળામાં ઈન્દિરા ગાંધીએ 15 મિનીટ ભાષણ આપ્યું અને લોકોએ અંધારામાં એ ભાષણ ખૂબ જ ધ્યાનથી સાંભળ્યું. ભાષણ પૂરું થઈ ગયા પછી પણ વીજળી ન આવી પરંતુ લોકોએ ઈન્દિરા ગાંધી ઝિંદાબાદના નારાથી ઈન્દિરા ગાંધી પ્રત્યેનો તેમનો આદર દર્શાવ્યો. તે પછી પરિણામનો દિવસ આવ્યો અને ઈન્દિરા ગાંધી સીપીએનથી ચૂંટણી જીતી ગયા.
વિપક્ષી નેતાઓ પણ ભાષણ સંભાળવા હાજર રહેતા
1980ના સમયગાળા દરમિયાન વિપક્ષના નેતાઓ પણ ભાષણો સાંભળવા સભા સ્થળોએ પહોંચતા હતા. પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી આરપીએન સિંહે પણ એક વખત કહ્યું હતું કે ઈન્દિરા ગાંધીની જાહેર સભા સમયે તેઓ દિલ્હીમાં જુનિયર ક્લાસમાં ભણતા પરંતુ તે સમયે તેઓ પદરોણામાં જ હતા. તેમણે પણ આ વાતની પુષ્ટિ કરી હતી કે વીજળી ગુલ થવા છતાં પણ લોકો તેમની જગ્યાએથી ખસ્યા ન હતા.
એવો જ કિસ્સો 1980ની લોકસભાની ચૂંટણીમાં મધ્યપ્રદેશના બુરહાનપુરમાં પણ બન્યો હતો. બુરહાનપુરના બોદરલી ગામમાં ઈન્દિરા ગાંધીએ રાત્રે બે વાગ્યે ટોર્ચના અંજવાળામાં જાહેર સભા સંબોધી હતી. તેમણે ખંડવા લોકસભા મતવિસ્તારમાંથી કોંગ્રેસના ઉમેદવાર ઠાકુર શિવકુમાર સિંહના સમર્થનમાં પણ પ્રચાર કર્યો હતો. તે સમયે ઈન્દિરા ગાંધી તેમના ઘરે 3 દિવસ રોકાયા હતા. તેમણે 3 દિવસ સુધી ખુલ્લી જીપમાં બુરહાનપુર, નેપાનગર અને ખંડવા વિસ્તારમાં શિવ કુમાર સિંહ માટે પ્રચાર કર્યો હતો. તે સમયે તેમની એક ઝલક જોવા અને તેમને સાંભળવા લાખોની ભીડ એકઠી થતી હતી.