– ફૂડ બેન્ક સામાન્ય રીતે ગરીબ સ્ટુડન્ટ્સ માટે હોય છે
– ડેટા સાયન્ટિસ્ટ તરીકે વર્ષે 98 હજાર કેનેડિયન ડોલર કમાતો મેહુલ પ્રજાપતિ તેની કરતૂતના કારણે ટ્રોલ થયો
નવી દિલ્હી : ગુજરાતી મૂળના ડેટા સાયન્ટિસ્ટ મેહુલ પ્રજાપતિએ ફૂડ બેન્કમાંથી કેવી રીતે ફ્રી ફૂડ લેવું તેવું સમજાવતો વિડીયો રીલીઝ કરવાનું ભારે પડયુ છે. તે કેનેડામાં સ્ટુડન્ટ્સ માટેની ફ્રી ફૂડ બેન્કમાંથી ફૂડ લેવાનો વિડીયો સમજાવી રહ્યો હતો. તેના લીધે તેણે વર્ષે ૯૮,૦૦૦ કેનેડિયન ડોલરની આવકવાળી નોકરી ગુમાવવી પડી છે. વિડીયોમાં તે સમજાવતો હતો કે દર મહિને તે ગ્રોસરી અને ફૂડમાં ડોલર કેવી રીતે બચાવે છે.
મૂળ ગુજરાતના મેહુલ પ્રજાપતિએ આ વિડીયો શેર કર્યો હોય ત્યારે કલ્પના પણ નહી કરી હોય કે તેણે નોકરી ગુમાવવી પડશે. કેનેડામાં નોકરીના વર્ક એથિક્સ અને નીતિમૂલ્યોના માપદંડ આટલા ઊંચા છે. કેનેડામાં ફ્રી ફૂડ બેન્ક જરુરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે હોય છે. તે સ્વૈચ્છિક સંગઠનો, ટ્રસ્ટો અને ચર્ચ દ્વારા ચલાવવામાં આવે છે.
પ્રજાપતિએ તેના વિડીયોમાં તેણે એક સતાહ માટે લીધેલા ફળો, શાકભાજીઓ, બ્રેડ, સોસ, પાસ્તા અને કેન્ડ શાકભાજીઓનો સ્ટોક પણ બતાવ્યો હતો.તેના પગલે તરત જ સોશિયલ મીડિયામાં લોકો તેને આકરી ટીકા કરવા માંડયા હતા. સોશિયલ મીડિયામાં એક યુઝરે લખ્યું હતું કે વર્ષે ૯૮ હજાર પાઉન્ડ કમાતો આ વ્યક્તિ ટીડી કેનેડા બેન્કમાં ડેટા સાયન્ટિસ્ટ તરીકે જોબ કરે છે. આટલી સારી કમાણી હોવા છતાં પણ તેણે ફ્રી ફૂડ કેવી રીતે લઈ શકાય તેનો વિડીયો ગૌરવપૂર્વક પોસ્ટ કર્યો છે, તેને શરમ આવવી જોઈએ. ડેટા સાયન્ટિસ્ટ તરીકે વર્ષે નોંધપાત્ર કમાણી કરવા છતાં આ રીતે ડોલર બચાવવા બદલ ભારતીય વિદ્યાર્થી ટ્રોલ થયો છે.
તેના પછી તેણે અપડેટ પણ આપ્યું હતું કે આ રીતે ફ્રી ફૂડનો ઉપયોગ કરનારાને ટીડી કેનેડા બેન્કે નોકરીમાંથી હકાલપટ્ટી કરી છે. બેન્કે પણ જણાવ્યું હતું કે આ ફ્રી ફૂડ લેનાર કર્મચારી હવે કંપનીમાં કામ કરતો નથી.આ અંગે કેટલાકે કંપનીના નિર્ણયની પ્રશસા કરી છે અને આ રીતે ફૂડ બેન્કનો ફાયદો લનેરાન સજા થવી જ જોઈએ તેવો મત વ્યક્ત કર્યો છે.