નવી દિલ્હી, 24 એપ્રિલ,2024, બુધવાર
ફિલ્મ કલાકારો અને રાજકારણનો ગાઢ નાતો ખૂબ જ જૂનો છે. દક્ષિણ ભારતમાં સી એન અન્નાદૂરાઇ, એમજી રામચંદ્રન, જય જલીતા, એમ કરુણાનીધિ જેવા ફિલ્મ કલાકારો રાજકારણમાં પણ સફળ કારકિર્દી બનાવી હતી. ૧૯૮૨માં આંધ્રપ્રદેશના ફિલ્મ આર્ટિસ્ટ એનટી રામારાવે તેલુગુદેશમ પાર્ટી બનાવીને માત્ર એક જ વર્ષમાં મુખ્યમંત્રી પણ બન્યા હતા. ઉત્તર અને પશ્ચીમ ભારતમાં અમિતાભ બચ્ચન, ગોવિંદા, હેમા માલિની, જયાપ્રદા, શત્રુધ્નસિંહ અને રાજબબ્બર જેવા અનેક કલાકારો અભિનેતા કમ નેતા પણ રહયા છે. સ્વ, સુનિલ દત્ત, વિનોદખન્ના સહિતના અનેક કલાકારો સક્રિય સાંસદ તરીકે જાણીતા હતા.
ફિલ્મ કલાકારોએે વિવિધ રાજકીય પાર્ટીઓનો પ્રચાર કર્યો હોય કે ચૂંટણીમાં ઉભા રહયા હોય એવા અનેક ઉદાહરણો છે પરંતુ નવાઇની વાત એ છે કે વર્ષ ૧૯૭૯માં બોલીવુડના દેવાનંદ જેવા ધુરંધર કલાકારોએ સંગઠિત થઇને પોતાની રાજકિય પાર્ટી પણ બનાવી હતી. ૧૯૭૫માં ઇન્દેરાએ ગાંધીએ લાદેલી કટોકટી દરમિયાન ફિલ્મઉધોગ પર સેન્સરશીપના નામે લાલ આંખ કરવામાં આવી હતી. આથી બોલીવુડના અનેક ફિલ્મ કસબીઓ રાતા પીળા થઇ ગયા હતા.
ઇમરજન્સી ખતમ થયા પછી ૧૯૭૭માં યોજાયેલી લોકસભા ચૂંટણીેમાં કોંગ્રેસનો પરાજય થતા શ્રીમતિ ગાંધી સત્તાની બહાર ફેંકાઇ ગયા હતા. કેન્દ્રમાં મોરારજી દેસાઇના નેતૃત્વમાં જનતા પાર્ટી અને સહયોગી પક્ષોનું શાસન હતું. જો કે બોલીવૂડના કેટલાક કલાકારોને એવું લાગતું હતું કે સરકાર ગમે તેની હોય ફિલ્મ ઉધોગ અને કળાના ક્ષેત્રની કોઇ રાજકિય પક્ષને પડી નથી. ખાસ કરીને ફિલ્મ નિર્માણ સાથેના રો સ્ટાફ, રિલીઝ પ્રિન્ટ પરનો ભારે ટેક્ષ વગેરે સમસ્યાઓ ઉકેલવામાં જનતા સરકારે મદદ ન કરતા આ માન્યતા બળવત્તર બની હતી.
આવા માહોલમાં ફિલ્મના લોકોની પણ એક રાજકિય પાર્ટી હોવી જોઇએ તેવી હવાએ જોર પકડતા દેવાનંદે નેતૃત્વ લીધું હતું. આ ઉપરાંત દેવાનંદના નાના ભાઇ વિજય આનંદ, નિર્માતા નિર્દેશક વી, શાંતારામ, શોલે ફેઇમ જીપી સિપ્પી, શ્રીરામ બોહરા, રામાનંદ સાગર, આત્મારામ, શત્ધ્નસિંહા, ધર્મન્દ્ર, સંજીવકુમાર જેવા કલાકારોએ પણ હા માં હા ભણીને રાજકિય પાર્ટી રચવા સંમત થયા હતા. ૧૪ સપ્ટેમ્બર ૧૯૭૯ના રોજ મુંબઇની તાજ હોટલમાં થયેલી પ્રેસ કોન્ફરન્સમાં બોલીવુડના કલાકારોએ નેશનલ પાર્ટીની જાહેરાત કરીને ૧૬ પાનાનું ઘોષણાપત્ર રજૂ કર્યુ હતું.
કેટલાક તો આ નેશનલ પાર્ટીને અન્ય રાજકિય પાર્ટીઓનો મજબુત વિકલ્પ તરીકે જોવાના પણ સપના સેવતા હતા. વી શાંતારામનો પરેલ સ્થિત આવેલો રાજકમલ સ્ટુડિયો તેનું મુખ્ય કાર્યાલય બન્યું હતું જયારે સક્રિય સંચાલન સદાબહાર દેવાનંદની ઓફિસથી થતું હતું, બોલીવુડના કલાકારોની નેશનલ પાર્ટીએ સભ્ય નોંધણી ફોર્મ પણ છપાવ્યા હતા. આ ફોર્મ ઉપર ફિલ્મવાળાઓની પાર્ટીમાં આપ સૌનું સ્વાગત છે એમ લખવામાં આવ્યું હતું. જો કે કેટલાક તો બોલીવુડના કલાકારોની રાજકિય પાર્ટીને સનકી આઇડિયા હોવાનું પણ માનતા હતા. જો કે આ નેશનલ પાર્ટીની મુખ્ય રાજકિય પક્ષોએ પણ નોંધ લીધી હતી.
આ પાર્ટી સાથે સંકળાયેલા બધાએ દેવાનંદને પાર્ટીના અધ્યક્ષ તરીકે પસંદ કર્યા હતા. દેવાનંદે તો પાર્ટી અધ્યક્ષ બનતાની સાથે જ કોંગ્રેસ અને જનતા પાર્ટી સહિતના રાજકીય પક્ષો પર શાબ્દિક હુમલાઓ શરુ કર્યા હતા. જાણે કે જંગે ચડવાનું હોય એ પ્રકારના વાકયો તૈયાર કરીને સૌ ને પોરસ ચડાવવાનું પણ શરુ કર્યું, આ નેશનલ રાજકીય પાર્ટી અંગે જણાવવામાં આવ્યું કે આ ગરીબી, બેરોજગારી, નિરક્ષરતા અને ભષ્ટ્રાચારની વિરુદ્ધ છેડવામાં આવેલી એક લડાઇ છે. આ પાર્ટી સમાજના સમગ્ર વિકાસ અને સમૃદ્ધિ માટે કટ્ટીબદ્ધ છે.
એટલું જ નહી ફિલ્મી ડાયલોગની ભાષામાં એમ પણ લખવામાં આવ્યું કે ચળવળ એ નેતાઓ વિરુધ્ધ જેના કારનામાઓથી દેશને શરમથી ઝુંકી જવું પડયું હતું. આ ઉપરાંત પાર્ટી તત્કાલિન વર્તમાન જનતા સરકારને પણ બક્ષવાના મૂડમાં ન હતી. એવા આક્ષેપો કર્યા કે ઇન્દેરાગાંધીની તાનાશાહીને દુર કરવા માટે સત્તામાં આવ્યા છે પરંતુ પોતે જ ભષ્ટ્રાચારથી લદાયેલા છે. મેડમ ગાંધીએ કટોકટી લાદી તેનો કોઇ જ પસ્તાવો નથી એટલું જ નહી તેને તે રાષ્ટ્રહિતમાં ખપાવે છે.
પ્રસિધ્ધ અભિનેતા આઇએસ જોહરે જનતા સરકારના આરોગ્ય મંત્રી રાજ નારાયણની વિરુધ્ધ ચુંટણી લડવાની જાહેરાત કરી હતી. આથી રાજ નારાયણે એવી ધમકી પણ આપી કે તે ભલે મારી સામે ચુંટણી લડે પરંતુ ભાષા સરખી નહી વાપરે તો હાથ પગ ભાંગી નાખીશ. જોહર પણ ગાજયા જાય તેવા ન હતા તેમણે કહયું કે હું નેશનલ પાર્ટીનો રાજ નારાયણ છું. મને આવી રીતે કોઇ ચૂપ નહી કરી શકે.
એવું માનવામાં આવે છે કે જનતા સરકાર અને કોંગ્રેસના મોટા નેતાઓ એ જી પી સિપ્પી અને રામાનંદ સાગર જેવા ચુંટણી પછીની અડચણો ના જોઇતી હોય અને ફિલ્મ ઉધોગને બચાવવો હોય તો આવા તમાશા કરવાનું બંધ કરી દો. ધીમે ધીમે નેશનલ પાર્ટીમાં સક્રિય ફિલ્મ કારો દુર થતા ગયા અને દેવાનંદ એકલા પડી ગયા હતા. તેમને પણ ધીમે ધીમે પાર્ટીના વાવટા સમેટાવા માંડયા હતા.
જનતા સરકાર અને કોંગ્રેસના મોટા નેતાઓ એ જી પી સિપ્પી અને રામાનંદ સાગર જેવા ધૂરંધરોને ચુંટણી પછીની અડચણો ના જોઇતી હોય અને ફિલ્મ ઉધોગને બચાવવો હોય તો આવા તમાશા કરવાનું બંધ કરી દેવાની ચેતવણી આપી હતી.આથી ધીમે ધીમે નેશનલ પાર્ટીમાં સક્રિય ફિલ્મ કારો દુર થતા ગયા અને દેવાનંદ એકલા પડી ગયા હતા. છેવટે ધીમે ધીમે પાર્ટીના વાવટા પણ સમેટાવા માંડયા હતા.