પંચમહાલ જિલ્લા કલેકટરે વેપારીઓ સાથે કરી હતી બેઠક
નાગરિકોને મતદાન માટે પ્રેરવા વેપારીઓએ કરી જાહેરાત
7મી મેના રોજ મતદાન હોવાથી 7% ડિસ્કાઉન્ટ અપાશે

હાલ સમગ્ર દેશ લોકશાહીના મહાપર્વની ઉજવણી કરી રહ્યું છે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે બીજા તબક્કાનું મતદાન આગામી 26 એપ્રિલના રોજ યોજાશે. ત્યારબાદ આગામી 7મી મેના રોજ ગુજરાત સહિત રાજ્યોમાં ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે. તો, ચૂંટણી દરમિયાન વધુમાં વધુ મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને લોકશાહીના પર્વમાં ભાગીદાર બને તે માટે રાજકીય પક્ષો સહિત સ્વૈચ્છિક સંસ્થાઓ અપીલ કરી રહી છે ત્યારે પંચમહાલ વેપારી એસોસિએશન દ્વારા એક નવતર પ્રયોગ કર્યો છે.

વેપારી એસોસિએશન દ્વારા એક નવતર પ્રયોગ 

પંચમહાલ વેપારી એસોસિએશન દ્વારા લોકસભા ચૂંટણીને લઈ મોટી જાહેરાત કરવામાં આવી છે. એસોસિએશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે લોકસભાની ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરી મતદાનનું નિશાન બતાવનાર નાગરિકોને જુદી જુદી પ્રોડક્ટ પર 7% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. મહત્વનું છે કે આગામી 7 મેના રોજ ગુજરાતની 25 લોકસભા બેઠકો માટે મતદાન થવાનું હોવાથી પંચમહાલ વેપારી એસોસિએશન દ્વારા 7% ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં આવી છે.

જિલ્લા કલેક્ટરે વેપારીઓ પાસે માંગ્યા મતદારોને પ્રેરિત કરવા સૂચનો 

પંચમહાલ જિલ્લા કલેક્ટરે મતદારો વધુમાં વધુ મતદાન કરવા પ્રેરાય તેવા હેતુ વેપારીઓ સાથે બેઠક કરી હતી અને વેપારીઓ પાસે સૂચનો માંગ્યા હતા. ત્યારે, વેપારીઓ દ્વારા ચૂંટણીના આ અવસરે ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. મહત્વનું છે કે, મેડિકલ સ્ટોર, મીઠાઈ ફરસાણ એસોસિએશન, નગરપાલિકા વેપારી એસોસિએશન,સોની વેપારી એસોસિએશન, કાપડ એસોસિએશન, ટુ વ્હીલર સ્પેર પાર્ટ્સ એસોસિએશન સહિત જિલ્લાના અગ્રણી વેપારી મંડળો દ્વારા જાહેરાતને સમર્થન કરવામાં આવ્યું છે. તો સાથે સાથે, સોના-ચાંદીના ઘરેણાંના વેપારીઓ દ્વારા મેકિંગ ચાર્જીસ પર પણ 7 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *