Lok Sabha Elections 2024 : વડોદરા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી તા.7 મે, 2024 ના રોજ યોજાનાર છે. ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે વડોદરા શહેરના કેમિસ્ટ અને ડ્રગીસ્ટ એસોસિએશન, અપોલો ફાર્મસી, મેડકાર્ટ ફાર્મસી સહિત માંજલપુર, મકરપુરા, તરસાલી, માણેજા અને ગોરવા વિસ્તારના કેમિસ્ટ્સ જોડાયા છે. મંગળવારે આ એસોસિએશનની ખોરાક અને ઔષધ નિયમન તંત્રના મદદનીશ કમિશનર સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આ એસોસિએશન દ્વારા મતદાન કરીને તેની નિશાની બતાવ્યા બાદ મેડિકલ સ્ટોર પરથી 10 થી 15 ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત એસોસિએશન દ્વારા શહેરના મેડિકલ સ્ટોર પર 1500 જેટલા મતદાન જાગૃતિ અંગેના સ્ટીકર તેમજ જાહેર સ્થળોએ મતદાન જાગૃતિ માટેના બેનર લગાવવામાં આવનાર છે. મેડિકલ સ્ટોરના પ્રવેશદ્વારે મતદાન જાગૃતિના સ્ટીકર પણ મૂકવામાં આવ્યા છે.