-જામનગરનીશ્રી વડનગરા નાગર જ્ઞાતિ દ્વારા રવાડી – મહાપ્રસાદ સહિતનાં આયોજન હાથ ધરાયા
‘છોટીકાશી’ જામનગરમાં શ્રી વડનગરા નાગર જ્ઞાતિ દ્વારા આજે ચૈત્ર સુદ ચતુર્દશીનાં પાવન દિને ઇષ્ટદેવ શ્રી હાટકેશ્વર જયંતિ નિમિતે હવાઇ ચોક નજીક શ્રી સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરે પાટોત્સવની પરંપરાગત ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જે પાટોત્સવ નિમિતે ગઈકાલે અને ૨૨ એપ્રિલે બે દિવસીય ધર્મોત્સવ યોજાયો છે.
જે અંતર્ગત ગઈકાલે રવિવારે સાંજે ૬ કલાકે શ્રી હાટકેશ્વર મંદિરનાં હાટકેશ હોલમાં સંગીત સંધ્યા,ભજન, શ્લોક ગાન તથા ભગવાન શિવનાં હાટકેશ્વર સ્વરૂપ અંગેની ક્વિઝ સહિતનાં કાર્યક્રમો યોજાયા હતા. જેમાં જ્ઞાતિજનો દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરાઈ હતી.
તેમજ આજે તા. ૨૨/૪ ને સોમવારે શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરે સવારે ૮:૩૦ કલાકેથી ધ્વજારોહણ તથા લઘુરૂદ્રાભિષેક સહિતનાં ધર્મકાર્યો યોજાયા હતા. લઘુરૂદ્રાભિષેકનાં યજમાન પદે ઉજ્જવલ ઓઝા તથા અક્ષિતા ઓઝા તથા ધ્વજારોહણનાં યજમાન પદે સ્વ. વિરેન્દ્રભાઇ છોટાલાલ ધોળકીયા તથા સ્વ. તિલોત્તમાબેન વિરેન્દ્રભાઇ ધોળકીયાની સ્મૃતિમાં હસ્તે લીનાબેન તથા સુનિલ ભાઇ માંકડ પરીવાર દ્વારા (જૂનાગઢ) પુણ્યલાભ પ્રાપ્ત કરાયો હતો.
સાંજે ૫:૩૦ કલાકે શ્રી હાટકેશ્વર દાદાની પરંપરાગત રવાડી યોજાશે. જે નાગરપરા શેરી નં ૧ થી ખંભાળીયા ગેઇટ, હવાઇ ચોક થઇ શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરે પૂર્ણ થશે.રવાડીમાં ૧૨ વર્ષની વય સુધીનાં બાળકો માટે શિવ પરીવારની ફેન્સી ડ્રેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે ૭:૩૦ કલાકે શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરે મહાઆરતી યોજાશે.
સાંજે ૮ કલાકે ટાઉનહોલમાં પાટોત્સવ મહાપ્રસાદ તથા સન્માન સમારોહ યોજાશે.
જ્ઞાતિ દ્વારા પાટોત્સવ કોપર્સ રુ. ૬૭૫૧ માં અનુદાન તથા સ્વૈચ્છીક અનુદાન આવકાર્ય છે. ઉપરાંત મહાપ્રસાદનો અંદાજીત કુલ ખર્ચ રૂ.૨.૫૦ લાખ જેટલો થતો હોય સંયુક્ત પરીવાર તરીકે, મામા-મોસાળ પક્ષે કે પિતરાઇ પક્ષે સમગ્ર મહાપ્રસાદનું અનુદાન આપવા ઇચ્છુક જ્ઞાતિજનોને કાર્યાલયનો સંપર્ક કરવા અનુરોધ છે.જ્ઞાતિનાં પ્રમુખ ભોલાનાથભાઇ રીંડાણી,ઉપપ્રમુખ અજયભાઇ વૈશ્નવ, હાટકેશ સમિતિ ચેરમેન યોગેશભાઇ રીંડાણી સહિતનાં હોદ્દેદારો સમગ્ર ધર્મોત્સવને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.