London Mayoral Election : ઈંગ્લેન્ડના લંડનમાં મેયર પદ માટે પાકિસ્તાની મૂળના સાદિક ખાન ત્રીજી વખત જીતવાના ઉદ્દેશ્ય સાથે ચૂંટણી લડી રહ્યા છે. જો કે, આ વખતે તેમને ભારતીય મૂળના ઉમેદવારના પડકારનો સામનો કરવો પડશે. દિલ્હીમાં જન્મેલા તરુણ ગુલાટી (Tarun Gulati)એ મેયર પદ માટે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે.
તરૂણે તમામ રાજકીય પક્ષો પર સાધ્યુ નિશાન
તરૂણે કહ્યું કે, લંડનના નાગરિકોને તમામ રાજકીય પક્ષોએ નાખુશ કર્યા છે. હું લંડનને અનુભવી સીઈઓની જેમ ચલાવવા માંગું છે, જેથી દરેકને ફાયદો થાય. બિઝનેસમેન અને રોકાણ નિષ્ણાત તરીકેનો મારો અનુભવ લંડન માટે મદદરૂપ સાબિત થશે. હું લંડનને એક અનોખા વૈશ્વિક શહેર તરીકે જોઉં છું. તે વિશ્વની વૈશ્વિક બેંક જેવું છે, જ્યાં સમગ્ર વિશ્વમાંથી લોકો એકઠા થાય છે.
તરુણ ગુલાટીની નજર ક્લાઈમેટ ચેન્જ ઉપર
તરૂણ ગુલાટીનો મુખ્ય એજન્ડા વર્તમાન લેબર પાર્ટીના નેતા સાદિક ખાનની કેટલીક નીતિઓને સમાપ્ત કરવાની છે. સાદિક ખાનની આ નીતિઓમાં અલ્ટ્રા લો એમિશન ઝોન (ULEZ) ફી અને લો ટ્રાફિક નેબરહુડ્સ (LTN) સાથે સંકળાયેલા ઊંચા ખર્ચને દૂર કરવાનો સમાવેશ થાય છે. તરુણે કહ્યું કે, ‘અમે ULEZ, LTN જેવી ખરાબ નીતિઓ નથી ઈચ્છતા. ક્લાઈમેટ ચેન્જ થઈ રહ્યું છે અને આપણે તેની અસરોને ઓછી કરવાની જરૂર છે. અમારે જે પણ ફેરફારો કરવા છે તે લોકોના અભિપ્રાયને અનુરૂપ હોવા જોઈએ.’
અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે તરુણ ગુલાટી
63 વર્ષીય ભારતીય મૂળના તરુણ ગુલાટી બીજી મેએ યોજાનાર મેયરની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. તેઓ મેયર પદ માટે અન્ય 13 ઉમેદવારો સામે લડવાના છે. તેમણે છ દેશોમાં સિટીબેંક અને એચએસબીસી સાથે કામ કર્યું છે. HSBCમાં તેઓ ઇન્ટરનેશનલ મેનેજર (IM) હતા.