હનુમાન જન્મોત્સવને લઈને મહિના સુધી તેલના ડબ્બાની નોંધણી થશે
પ્રથમ દિવસે જ ભક્તો દ્વારા તેલના 75 ડબ્બા નોંધાવવામાં આવ્યા
ભક્તો દ્વારા વહેલા તે પહેલાના ધોરણે ડબ્બાની નોંધવાની શરુઆત કરી દેવામાં આવી
ગાંધીનગરના સુપ્રસિધ્ધ શ્રી ડભોડીયા હુનમાનજી મંદિર ખાતે હનુમાન જ્યંતિ નિમિતે દાદાનો ભવ્ય જન્મોત્સવ ઉજવવામાં આવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ તેલના 1111 ડબ્બાનો મહાઅભિષેક કરવામાં આવશે. જેને લઈને તેલના ડબ્બાની નોંધણી શરૂ કરવામાં આવી છે. પ્રથમ દિવસે 75થી પણ વધુનું નોંધણી સાંજે પાંચ વાગ્યા સુધીમાં થઈ ગઈ હતી. આ નોંધણી એક મહિના સુધી ચાલશે.
23 એપ્રિલે ડભોડા ખાતે 1200 વર્ષ પૌરાણિક મારુતિ નંદન સ્વયંભુ ડભોડીયા હનુમાનજી દાદાનો જન્મોત્સવ ઉજવવામાં આવશે. મંદિર મંડળ દ્વારા શનિવારથી તેલના ડબ્બાની નોંધણી શરુ કરી દેવામાં આવી છે. ગત વર્ષે 1111 ડબ્બાની નોંધણીના અંદાજ સામે આંકડો 1500 ને પાર પહોંચ્યો હતો. જેથી ભક્તો દ્વારા વહેલા તે પહેલાના ધોરણે ડબ્બાની નોંધવાની શરુઆત કરી દેવામાં આવી છે. જન્મોત્સવની ઉજવણીના ભાગરુપે 23 એપ્રિલે હનુમાન જ્યંતિના દિવસે સવારે મહારુદ્રાભિષેક, બપોરે 12 વાગે મહાઆરતી, શોભાયાત્રા, ધ્વાજા રોહણ સહીત ભોજન પ્રસાદનું આયોજન કરાયુ છે. દર વર્ષે ગુજરાતના ખુણે ખુણેથી ડભોડીયા હનુમાનજી મંદિરે લાખો ભક્તો ઉમટી પડે છે અને દાદાના જન્મદિવસની ઉજવણીમાં જોડાય છે. બપોરે મહાઆરતીમાં બેથી ત્રણ લાખ ભક્તોની હાજરીથી ગામના તમામ રસ્તાઓ અને મંદિર પરીસરમાં કીડીયારુ ઉભરાય એવા દ્રશ્યો જોવા મળતા હોય છે. ત્યારે મંદિર મંડળ અને ગ્રામજનો આગામી મહોત્સવની ઉજવણીની તૈયારીઓમાં લાગી ગયા છે.
ગ્રામજનો દ્વારા 151 કિલોની કેક ધરાવાશે
દર વર્ષે ડભોડીયા હનુમાનજી મંદિરે દાદાના જન્મોત્સવમાં 151 કિલોની જમ્બો કેક આકર્ષણનું કેન્દ્ર રહે છે. વર્ષોથી 151 કિલોની કેક અમદાવાદના એક દાતા દ્વારા કાપવામાં આવે છે. ત્યારે આ વખતે સમસ્ત ડભોડા ગ્રામજનોના સહયોગથી પણ 151 કિલોની કેક દાદાને ધરાવામાં આવશે. જેમાં સમસ્ત ગ્રામજનોનો યથાશકિત લોકફાળો રહેશે. એક રીતે સમસ્ત ગ્રામજનોને કેકનો લ્હાવો આપવામાં આવ્યો છે. આ સિવાય અમદાવાદના કેટલાક ભક્તો દર વર્ષે વિવિધ પ્રકારની અને નાની મોટી કેક લઇને મંદિરે આવતા હોય છે. તમામ કેક પ્રસાદ સ્વરુપે ભક્તોમાં વહેંચવામાં આવે છે.