– અમેરિકાને લક્ષ્યમાં રાખી
– કીમ જોંગ ઉન માને જ છે કે ત્રીજા વિશ્વ યુદ્ધનો ખતરો વધી ગયો છે, તેથી તે તેની યુદ્ધ શક્તિમાં સતત વધારો કરી રહ્યું છે
સીઉલ : ઉત્તર કોરિયાએ તેના સુપર-લાર્જ-વૉરહેડવાળા ક્રૂઝ અને વિમાન વિરોધી મિસાઈલ્સનાં સફળ પરિક્ષણ કરી ફરી એકવાર દુનિયાને ચોંકાવી દીધી છે. રશિયા-યુક્રેન યુદ્ધ, ચીન-તાઇવાન સંઘર્ષ અને ઇઝરાયલ-હમાસ, તથા ઇઝરાયલ- ઇરાન યુદ્ધને લીધે વિશ્વમાં ત્રીજા વિશ્વ યુદ્ધનો ભય વધી રહ્યો છે. તે સમયે ઉત્તર કોરિયાએ કરેલા આ પરિક્ષણોએ દુનિયામાં ભય ફેલાવી દીધો છે. ઉ.કોરિયાએ શનિવારે કહ્યું હતું કે, તેણે પશ્ચિમ તટીય ક્ષેત્રમાં એક પ્રબળ ક્રૂઝ મિસાઈલ અને એક વિમાન વિરોધી મિસાઈલનું પરિક્ષણ સફળ રીતે કર્યું છે.
કીમ-જોંગ-ઉન સતત તેની યુદ્ધ શક્તિ વધારી રહ્યા છે. શુક્રવારે તેના સરકારી મીડીયાએ તેની ખબરમાં જણાવ્યું હતું કે, વ્હાસલ-૧, રા-૩ ક્રૂઝ મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યું છે. તે સાથે પ્લોજી-૧-૨ વિમાનરોધક મિસાઈલ્સનું સફળ પરિક્ષણ કર્યું છે. કોરિયન સેન્ટ્રલ ન્યુઝ એજન્સી દ્વારા પ્રસિદ્ધ કરાયેલી તસ્વીરોમાં લોન્ચર ટ્રક-ઉપરથી ઓછામાં ઓછા બે મિસાઈલ્સ છોડાયેલા દેખાય છે.
આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, શુક્રવારે કરાયેલું આ પરિક્ષણ દેશની સૈન્ય વિકાસ ગતિવિધિના ભાગરૂપે હતું. તેને આસપાસની હાલાત સાથે કશી લેવા દેવા નથી.
કોરિયાઈ દ્વિપકલ્પમાં છેલ્લા કેટલાએ વર્ષોથી તંગદિલી પ્રવર્તે છે.
કીમ જોંગ ઉન પોતાનો શસ્ત્રાગાર વધારી રહ્યા છે. તેના મિસાઇલ જથ્થામાં કેટલાક તેવા પણ મિસાઇલ્સ છે કે, જે અમેરિકાની મુખ્ય ભૂમિ અને પ્રશાંત ક્ષેત્રમાંના અમેરિકાના લક્ષ્યોને નિશાન બનાવી શકે તેમ છે.
ઉત્તર કોરિયાની આ તૈયારીઓ વચ્ચે અમેરિકા, દ.કોરિયા અને જાપાને સંયુક્ત સૈન્ય કવાયતનો વિસ્તાર કર્યો છે અને પોતાના બચાવની રણનીતિ તેજ કરી છે.