અમદાવાદ, શનિવાર
વટવા વિસ્તારમાં રોપડા બ્રીજ પાસેથી કતલ કરવાના પશુઓને ભરીને લઇ જવાતા એક આરોપીને પોલીસે પકડી પાડયો હતો અને પાડા-પાડી મળી કુલ ૧૦ અબોલ પશુઓને બચાવીને પાંજરાપોળ મોકલી આપ્યા હતા. પોલીસ તપાસમાં ચોક્કસ બાતમી આધારે પોલીસે બોલેરોને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતું પોલીસને જોઇને બોલેરો પીકઅપ વાન ભગાડી મૂકી હતી. જેથી પોલીસે પીછો કરતા બંને શખ્સો ભાગવા જતા એક આરોપીને દબોચી લીધો હતો. આ બનાવ અંગે વટવા જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બોલેરોમાં પાડા-પાડીને ટૂંકા દોરડાથી ખીચોખીચ બાંધેલા હતા ઃ વટવા જીઆઇડીસી પોલીસે પશુંઓને પાંજરાપોળમાં મોકલી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઓઢવમાં રહેતા જીવદયા પ્રેમીને તા.૧૯ના રોજ બાતમી મળી હતી કે દાહોદથી એક બોલેરો પીકઅપ ગેરકાયદેસર પશુઓ ભરીને સીટીએમ એક્સપ્રેસ હાઇવે પસાર થવાની છે. તેના આધારે તઓ પોલીસને સાથે રાખીને હાથીજણ ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી અને પૂર ઝડપે જતી શંકાસ્પદ બોલેરોને ઉભી રાખતા પ્રયાસ કર્યો હતો, પરંતું તેણે ઉભી રાખી ન હતી. જેથી પોલીસે બોલેરો પીકઅપનો પીછો કરીને રીંગરોડ પર રોપડા બ્રિજના છેડે બોલેરોમાં સવાર બંને શખ્સો ગાડી મૂકીને ભાગવા લાગ્યા હતા. જેમાં એક શખ્સ નાસી ગયો અને એકને પોલીસે દબોચી લીધો હતો.
ત્યારબાદ બોલેરોમાં તપાસ કરતા ધાસચારા અને પાણીની વ્યવસ્થા વગર ખીચોખીચ કુલ ૧૦ પશુઓ ભર્યા હતા તેને પોલીસે બચાવીને કરાવીને પાંજરાપોળમાં મોકલી આપ્યા હતા. પકડાયેલ આરોપીનું નામ પૂછતા બહેરામપુરામાં શખ્સ રહેતો હોવાનું બહાર આવ્યું હતું. તેમજ નાસી ગયેલ શખ્સ દાણીલીમડામાં રહેતો હતો આ ઘટના અંગે વટવા જીઆઇડીસી પોલીસે બંને શખ્સો સામે ગુનો નોંધીને બોલેરો બોલેરો સહિત કુલ રૃા. ૨.૭૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.