વોશિંગ્ટન,તા.19.એપ્રિલ.2024
અમેરિકાની સ્પેસ એજન્સી નાસાના પ્રમુખ બિલ નેલ્સને દાવો કર્યો છે કે, ચીને અંતરિક્ષમાં પણ પોતાની સેનાની તૈનાતી કરી દીધી છે. બિલ નેલ્સનનો દાવો અમેરિકા સહિત દુનિયાના ઘણા ખરા દેશોની ઉંઘ ઉડાડી દે તેવો છે.ચીન આ પ્રોજેકટ પર ભારે ગુપ્તતાથી કામ કરી રહ્યુ છે પરંતુ અમેરિકાને પહેલેથી જ આશંકા હતી કે, ચીન સ્પેસમાં પણ પોતાનો લશ્કરી કાર્યક્રમ આગળ વધારી રહ્યુ છે અને તેની પાછળનો તેનો ઈરાદો અમેરિકા સહિત દુનિયાના બીજા દેશો સાથે પ્રોકસી વોર લડવાનો છે.
નાસાના ચીફ બિલ નેલ્સને અમેરિકન સાસંદોને જાણકારી આપતા કહ્યુ હતુ કે, ‘હું ચોક્કસપણે કહી શકું છું કે ચીન અંતરિક્ષમાં પણ લશ્કરી ઉપસ્થિતિ ધરાવે છે.તે પોતાના સિવિલિયન સ્પેસ પ્રોગ્રામની આડમાં સ્પેસ મિલિટરી પ્રોજેકટને આગળ ધપાવી રહ્યુ છે.ભવિષ્યમાં ચીન ચંદ્ર પરના સંસાધનો પર પોતાનો દાવો ઠોકે તો નવાઈ નહીં લાગે.’
નેલ્સેને કહ્યું હતું કે, ‘ચીને છેલ્લા 10 વર્ષમાં સ્પેસ ક્ષેત્રમાં અસાધારણ પ્રગતિ કરી છે.જોકે તે પોતાના સ્પેસ પ્રોગ્રામને બહુ ગુપ્ત રાખીને આગળ વધારી રહ્યુ છે.અમને લાગે છે કે ચીનનો સિવિલિયન સ્પેસ પ્રોગ્રામ તો નામનો જ છે.હકીકતમાં તો આ એક મિલિટરી પ્રોજેકટ છે. આપણી સાથે ચીન સ્પેસમાં લશ્કરી ક્ષમતા વધારવા માટે સ્પર્ધામાં ઉતર્યુ છે.ચીનના સ્પેસ પ્રોગ્રામથી અમેરિકાએ સર્તક રહેવાની જરુર છે.