Mohammed Shami: લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનની પ્રક્રિયા શરુ થઇ ગઈ છે. એવામાં પીએમ મોદીએ શુક્રવારે ઉત્તરપ્રદેશના અમરોહામાં કંવર સિંહ તંવરના સમર્થનમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. જેમાં વડાપ્રધાને ટીમ ઇન્ડીયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના ખૂબ વખાણ કર્યા હતા.
વડાપ્રધાને મોહમ્મદ શમીના કર્યા વખાણ
વડાપ્રધાને મોહમ્મદ શમીના વખાણ કરતા કહ્યું હતું કે, “અમરોહાએ ઢોલક જ નહિ પરંતુ દેશનો ડંકો વગાડ્યો છે. ક્રિકેટ વર્લ્ડકપમાં મોહમ્મદ શમીએ જે કમાલ કરી એ આખી દુનિયાએ જોઈ હતી. તેમજ તેના શાનદાર પ્રદર્શન માટે કેન્દ્ર સરકાર દ્વારા મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડ પણ આપવામાં આવ્યો છે.”
સપાએ અમરોહાનો વિકાસ કર્યો નથી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે સપાએ અમરોહાનો વિકાસ કર્યો નથી. આપણે અમરોહાને ઘણું આગળ લઈ જવાનું છે. આજે પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. જેથી આજનો દિવસ લોકશાહી માટે મોટો દિવસ છે. આ લોકશાહીના ભવિષ્યની ચૂંટણી છે. પીએમ મોદીએ અમરોહાના લોકોને સમૃદ્ધ અને વિકસિત ભારત માટે વોટ કરવાની અપીલ કરી હતી.
જૂની સરકાર સાથે કરી યોગી સરકારની સરખામણી
સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને કોંગ્રેસ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું, ‘જેમણે સપા, બસપા અને કોંગ્રેસની સરકારો જોઈ છે. તે હવે યોગી સરકારને જુઓ. તેણે શેરડીના ભાવ વધાર્યા. અમરોહાના શેરડીના ખેડૂતો ભૂલી શકતા નથી કે અગાઉ તેમને ચૂકવણી માટે હેરાન કરવામાં આવ્યા હતા.
આજે શેરડીની વિક્રમી ખરીદી સાથે રાજ્યમાં રેકોર્ડ પેમેન્ટ પણ થઈ રહ્યું છે. સપા સરકાર દરમિયાન શેરડીના ખેડૂતોને માત્ર 500 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. પરંતુ યોગી સરકારમાં શેરડીના ખેડૂતોને દર વર્ષે 1.5 હજાર કરોડ રૂપિયા ચૂકવવામાં આવી રહ્યા છે.