Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં આજે (19મી એપ્રિલ) 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 102 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. ત્યારે મધ્ય પ્રદેશની છ લોકસભા બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન સીધી લોકસભા મતવિસ્તારના બોચરો ગામમાં એકપણ ગ્રામીણ મતદાન કરવા આવ્યું ન હતું. કારણ કે, આ ગામમાં વાઘની દહેશત છે. અહેવાલો અનુસાર, છેલ્લા કેટલાક દિવસથી ગામમાં વાઘ ઘૂસી રહ્યા છે અને ગ્રામજનો પર હુમલો કરી રહ્યો છે.
વાઘના હુમલાને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા
મધ્ય પ્રદેશની સીધી લોકસભા વિસ્તારમાંમાં સંજય દુબરી ટાઈગર રિઝર્વ આવેલું છે. જેથી વાઘ જંગલમાંથી બહાર નીકળીને ગામમાં આવે છે. બોચરો ગામમાં વાઘના હુમલાને કારણે અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે, વન વિભાગના અધિકારીઓને અનેક વખત ફરિયાદ કરવા છતાં તેમની સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. વહીવટી કર્મચારીઓ લોકોને સમજાવવામાં અને મતદાન શરૂ કરાવા કહી રહ્યા છે.
ટ્રાન્સફોર્મર ન લગાવવા ચૂંટણી બહિષ્કાર
બીજી તરફ મધ્ય પ્રદેશની બાલાઘાટ લોકસભા બેઠકના ચગેરા ગામના ગ્રામજનોએ ટ્રાન્સફોર્મર ન લગાવતા ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. સવારે બૂથ નંબર 162માં ત્રણ લોકોએ મતદાન કર્યું હતું, ત્યારબાદ જૂથમાં આવેલા લોકોએ મતદાન કર્મચારીઓને જણાવ્યું હતું કે,’ગામમાં ટ્રાન્સફોર્મર લગાવવાની માંગણી પૂરી થઈ નથી. ઘરોમાં વીજળી નથી. અમે છેલ્લી ઘણી ચૂંટણીઓથી મતદાન કરી રહ્યા છીએ પરંતુ વીજળીના અભાવે અમારું જીવન મુશ્કેલ બની ગયું છે. આ સમયગાળા દરમિયાન, વહીવટી અધિકારીઓએ ગ્રામજનોને તેમની તમામ સમસ્યાઓ હલ કરવાની ખાતરી આપી હતી. પરંતુ ગ્રામજનો પર તેની કોઈ અસર થઈ ન હતી.’ ઉમરિયાના માનપુર સ્થિત બામેરામાં પણ રોડ ન બનાવવાના કારણે ગ્રામજનોએ લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. આ ગામ બાંધવગઢ ટાઈગર રિઝર્વના બફર ઝોનમાં પણ આવેલું છે.
આ પણ વાંચો: કોણ છે આ સુંદર મહિલા ચૂંટણી અધિકારી, મતદાન પહેલા તેમનો ફોટો વાયરલ થયો ને આવ્યું કમેન્ટ્સનું પૂર