– આણંદ જિલ્લામાં હિટવેવને ધ્યાને લઈ
– ફર્સ્ટ એઈડ કિટ અને 108 ઈમરજન્સી સેવા ઉપ્લબ્ધ કરાવાશે
ભારતના હવામાન વિભાગે આગામી ઉનાળાની ઋતુ દરમિયાન સામાન્ય તાપમાનથી વધુની સંભાવના નિર્દેશિત કરી છે અને જૂન મહિના સુધી હિટવેવ વધુ મજબૂત અને લાંબા સમય સુધી પરિવર્તિત થઈ શકવાની શક્યતા વ્યક્ત કરી છે. ત્યારે આગામી મે મહિનાની તા.૭મીના રોજ યોજાનાર મતદાનના દિવસે તમામ મતદાન મથકો ખાતે ઓઆરએસના પેકેટ મૂકવામાં આવશે.
જેથી કોઈ મતદારને ગરમીની હિટવેવની અસરને કારણે કઈ તકલીફ થાય તો તરત જ પ્રાથમિક સુવિધા આપી શકાય. આ ઉપરાંત દરેક મતદાન મથક ખાતે ફર્સ્ટ એઈડ કિટ પણ મુકવામાં આવશે અને ઈમરજન્સીમાં ૧૦૮ની સેવા ઉપલબ્ધ રહેશે. વધુમાં જે મતદારો ગંભીર બિમારીમાંથી પસાર થઈ રહ્યા હોય કે જેમને બાયપાસ સર્જરી કરી હોય, સ્ટેન્ટ મુક્યું હોય, ડાયાબિટીસ હોય, હાઈરિસ્કવાળા મતદારો હોય અથવા જે મહિલાઓને પ્રસૂતિ થવાની હોય તેવા મતદારોએ સવારના સમયમાં મતદાન કરી લેવું જોઈએ કે જેથી તેમને બપોરના સમયમાં હિટવેવની અસર ના થાય તેમ જણાવ્યું છે. ઉપરાંત જિલ્લાના તમામ સીએચસી સેન્ટર અને પીએચસી સેન્ટરો ખાતે આરોગ્યની સેવાઓ ઇમર્જન્સી સેવાઓ ઉપલબ્ધ રહેશે અને ડોક્ટર સહિતનો સ્ટાફ હાજર રહેશે. ખાસ કરીને ઈવીએમ મશીન જે જગ્યાએથી મતદાન મથક ખાતે રવાના કરવામાં આવે છે અને પાછા જમા લેવામાં આવે છે તે ડિસ્પેચિંગ અને રિસિવીંગ સેન્ટર ખાતે પણ મેડિકલ ટીમ હાજર રહેશે અને ૧૦૮ની સેવાઓ ઉપલબ્ધ રહેશે તેમ ડો. દિપક પરમારે વધુમાં ઉમેર્યું હતું.