Image:IANS
Hardik Pandya : IPL 2024માં ગઈકાલે રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે MIના હોમ ગ્રાઉન્ડ વાનખેડેમાં મેચ રમાઈ હતી. આ મેચમાં રાજસ્થાન રોયલ્સે હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈ ઇન્ડિયન્સને 6 વિકેટે હરાવી હતી. આ મુંબઈ ઇન્ડિયન્સની સતત ત્રીજી હાર હતી. આ કારમી હાર બાદ ચાહકો સહિત ઘણા ક્રિકેટ નિષ્ણાંતોએ પંડ્યાની કેપ્ટનશિપ પર સવાલ ઉઠાવ્યા છે. પૂર્વ ભારતીય ક્રિકેટર મનોજ તિવારીએ કહ્યું, “હાર્દિક પંડ્યા તેની કેપ્ટનશિપ ગુમાવી શકે છે.”
‘હાર્દિક પંડ્યા કેપ્ટનશિપ ગુમાવી શકે છે’
મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ બાદ એક શો પર પૂર્વ ભારતીય ક્રિકેટર મનોજ તિવારી અને વીરેન્દ્ર સેહવાગે મળીને આ મેચના રિઝલ્ટની સમીક્ષા કરી હતી. આ દરમિયાન મનોજ તિવારીએ કહ્યું, “હું બહુ મોટી વાત કહેવા જઈ રહ્યો છું. આગામી મેચ પહેલા મુંબઈ ઈન્ડિયન્સને 6 દિવસનો બ્રેક મળ્યો છે અને એવી પણ શક્યતા છે કે આ 6 દિવસમાં હાર્દિક પંડ્યા તેની કેપ્ટનશિપ ગુમાવી શકે છે. બોલરોમાં ફેરફાર હોય કે બેટિંગ ઓર્ડરમાં ઉથલપાથલ, હાર્દિકે કેપ્ટનશિપમાં ભૂલો કરી છે અને તે દેખાઈ પણ રહી છે.”
‘હાર્દિકે દબાણમાં હોમ ગ્રાઉન્ડ પર બોલિંગ ન કરી’
મનોજ તિવારીએ કહ્યું, “હાર્દિકે હોમ ગ્રાઉન્ડ પર બોલિંગ ન કરી, જ્યાં સ્વિંગ મળી રહ્યું હતું, જે દર્શાવે છે કે તે દબાણમાં હતો. આ સિવાય બેટિંગ ઓર્ડરમાં પણ કંઈ નિશ્ચિત નથી, ક્યારેક તિલક વર્મા ઉપર આવે છે, તો ક્યારેક ડેવાલ્ડ બ્રેવિસ.” જો કે વીરેન્દ્ર સેહવાગ મનોજ તિવારી સાથે સહમત હોય તેવું લાગ્યું ન હતું. સેહવાગે કહ્યું કે, “તમે આ વાત ખૂબ જ જલદી કહી દીધી કારણ કે મુંબઈ ઈન્ડિયન્સ પાંચ મેચ હાર્યા બાદ પણ ટાઈટલ જીતી ચૂક્યું છે અને હાર્દિકને હજુ થોડી વધુ મેચ મળવી જોઈએ.”