– જુગારની લતને લીધે દેવું થતા ચોરી કરાવ્યાની મિત્ર એવા શાકવિક્રેતાની કબૂલાત : પૈસા શેરડીના ખેતરમાં દાટી દીધા હતા
– પુણાગામના શાકભાજીના વેપારીએ મકાનના ટોકન અને ભાઈના લગ્ન માટે પૈસાની વ્યવસ્થા કરવા મિત્રને વાત કરતા તેણે ઘરમાં પૈસા પડેલા છે તે જાણતા ચોરી કરાવી
સુરત, : સુરતના પુણાગામ ક્રિષ્ણાનગરમાં સગાંસંબંધીઓ સાથે રહેતા અને શાકભાજીની છ લારી ધરાવતા પરપ્રાંતીય યુવાને મકાન ખરીદવા રાખેલા રોકડા રૂ.4.30 લાખ સાથેની સૂટકેસ કોઈ ઘરનું તાળું ખોલી ચોરી ગયું હતું.કાપોદ્રા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં ચોરીની ઘટનાનો ભેદ ઉકેલી યુવાનના ઘરમાં ચોરી કરાવવા રૂ.20 હજારની સોપારી આપનાર તેના જ મિત્ર અને ચોરી કરનારની ધરપકડ કરી તેમણે શેરડીના ખેતરમાં દાટેલા પૈસા પણ કબજે કર્યા હતા
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ઉત્તરપ્રદેશ અલ્હાબાદનો વતની અને સુરતમાં પુણાગામ કલ્યાણનગરની બાજુમાં ક્રિષ્ણાનગર સોસાયટી ઘર નં.23 માં વતનના સગાંસંબંધીઓ સાથે રહેતા 32 વર્ષીય ચંચલસીંગ અશોકસીંગ ચૌહાણનો પરિવાર વતનમાં રહે છે.ચંચલસીંગ પાસે શાકભાજીની છ લારી છે.તે પૈકી એક લારી તે સરથાણા યોગીનગરમાં ચલાવે છે.જયારે બાકીની લારી તેની સાથે રહેતા સગાંસંબંધી ચલાવી તેનું ભાડું ચંચલસીંગને આપે છે.ચંચલસીંગને સુરતમાં પોતાનું મકાન ખરીદવું હોય તેણે બચત કરીને પૈસા ભેગા કર્યા હતા.અઢી મહિના અગાઉ તેણે પુણાગામ કલ્યાણનગરના મકાન નં.174 નો સોદો રૂ.25 લાખમાં કરી રૂ.5 લાખ ટોકન પેટે આપ્યા હતા.તેણે રૂ.4 લાખ બે મહિનામાં આપવાના હતા.જયારે બાકીની રકમની લોન કરવાની હોય તેણે પોતાની બચત અને સગાંસંબંધીઓ પાસેથી ઉછીના પૈસા મેળવી રૂ.4.30 લાખ પોતાના રૂમમાં ફાયબરની કાળા રંગની સૂટકેસમાં કપડાં સાથે મુક્યા હતા.
ગત સોમવારે સાંજે ચાર વાગ્યે તે અને તેના સગાંસંબંધીઓ નિત્યક્રમ મુજબ શાકભાજી વેચવા ગયા હતા.ચંચલસીંગ સાંજે 6.30 વાગ્યે પરત ફર્યો ત્યારે રૂમના નકૂચાને મારેલું તાળું નહોતું.આથી નકુચો ખોલી તે અંદર ગયો તો તાળું ત્યાં પડેલું હતું અને રૂમમાં તેની પૈસા સાથે મુકેલી સૂટકેસ ગાયબ હતી.આજુબાજુના લોકોને પૂછતાં કોઈ આવ્યું હતું કે કેમ તેની કોઈને જાણ નહોતી.ઉપરાંત, સાથે રહેતા સગાંસંબંધીઓને પણ આ અંગે કોઈ માહિતી ન હોય છેવટે ચંચલસીંગે ગતરોજ કાપોદ્રા પોલીસ મથકમાં રૂ.4.30 લાખની ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે કોઈ જાણભેદુની સંડોવણીની આશંકાએ તપાસ હાથ ધરી હતી.દરમિયાન, પોલીસે 50 જેટલા સીસીટીવી ફૂટેજ ચકાસી ચોરીની આ ઘટનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢી શાકભાજીના વેપારી સુનિલ ઉર્ફે કાળુ સીતારામ સરોજ ( ઉ.વ.32, રહે.ઘર નં.191, કલ્યાણનગર, પુણાગામ, સુરત. મૂળ રહે.પ્રતાપગઢ, ઉત્તરપ્રદેશ ) અને વેલ્ડીંગની નોકરી કરતા મનોજ નાથુભાઈ કાપુરે ( ઉ.વ.33, રહે.ઘર નં.11, શિવાજીનગર સોસાયટી, કલ્યાણનગર પાસે, પુણાગામ, સુરત. મૂળ રહે.ધુલીયા, મહારાષ્ટ્ર ) ને ઝડપી લીધા હતા.
પોલીસે બંનેની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે સુનિલ ચંચલસીંગનો મિત્ર જ છે.ચંચલસીંગને મકાનના ટોકન માટે તેમજ 21 તારીખે ભાઈના લગ્ન માટે પૈસાની જરૂર હોય પોતાની પાસેના રૂ.2 લાખ ઉપરાંત બીજા રૂ.2 લાખની વ્યવસ્થા કરવા સુનિલને કોઈની પાસે વ્યવસ્થા કરવા વાત કરી હતી.અગાઉ સરથાણા અને કામરેજમાં જુગાર રમતા પકડાયેલા અને જુગારમાં થયેલું દેવું ચૂકતે કરવા સુનિલે મિત્રના ઘરમાં જ ચોરીની યોજના બનાવી હતી.તે માટે તેણે ચંચલસીંગના જ એક રૂમ પાર્ટનરની ચાવી બે બનાવના બે દિવસ અગાઉ ચોરી હતી.ચોરી કરવા માટે તેણે પરિચિત મનોજને રૂ.20 હજારની સોપારી આપી ચંચલસીંગનું ઘર પણ બતાવ્યું હતું.ચંચલસીંગ પૈસા બેગમાં રાખે છે અને સાંજે તમામ શાકભાજી વેચવા જાય છે તેવું જાણતા સુનિલે મનોજને સાંજે મોકલી ચોરી કરાવી હતી અને પોતે મોપેડ લઈ થોડે દૂર ઉભો રહ્યો હતો.
ચોરી બાદ બંનેએ પૈસા કોસમાડા ખાતે એક શેરડીના ખેતરમાં દાટી દીધા હતા.પોલીસે બંનેને ઝડપી પાડી તેમની કબૂલાતના આધારે ખેતરમાં દાટેલા પૈસા ઉપરાંત ચોરીમાં ઉપયોગમાં લેવાયેલું મોપેડ અને બે મોબાઈલ ફોન કબજે કર્યા હતા.વધુ તપાસ સેકન્ડ પીઆઈ એમ.આર.સોલંકી કરી રહ્યા છે.
ચોરી કરાવ્યા બાદ મિત્ર વેપારી સાથે ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન પણ ગયો હતો
સુરત, : મિત્રના ઘરે ચોરી કરાવ્યા બાદ સુનિલ ચંચલસીંગ સાથે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પણ સાથે ગયો હતો.જેથી કોઈને તેના ઉપર શંકા નહીં જાય.પોલીસે જયારે સીસીટીવી ફૂટેજ ચકાસ્યા ત્યારે પહેલા મનોજ ઘરમાંથી પૈસા ભરેલી સૂટકેસ લઈ બહાર નીકળતો નજરે ચઢ્યો હતો.બાદમાં તે થોડે દૂર જઈ મોપેડ પર બેસી નીકળ્યો તે વ્યક્તિ સુનિલ હોય પોલીસ પણ ચોંકી ઉઠી હતી.