કોલકાતા, 17 એપ્રિલ,2024, બુધવાર
પશ્ચિમ બંગાળમાં રામ પાડા નામનું ગામ આવેલું છે. આ ગામની ખાસિયત એ છે કે દરેકના નામની અંદર રામ નામ આવે છે. પ્રથમ નામ કે બીજા નામની પાછળ રામ નામ અવશ્ય હોય છે. આ એક પરંપરા છે જે છેલ્લા ૨૫૦ વર્ષથી ચાલી આવે છે.કોઇનું નામ રામ કનાઇ તો કોઇનું નામ રામ બદન કે રામ દુલાર જોવા મળે છે. આ ગામને પૌરાણિક રામાયણ સાથે કોઇ જ સંબંધ નથી કે રામાયણનો પ્રસંગ પણ બન્યો નથી તેમ છતાં રામ માટે આટલી આસ્થા જોવા મળે છે.
પશ્ચિમ બંગાળમાં રામના નામને રાજકીય રંગ લાગતો રહયો છે ત્યારે આ ગામ સાવ જ અનોખું છે. રામ ભગવાનના નામ માટે એટલી આસ્થા જોવા મળે છે કે ગામનું નામ જ રામપાડા બન્યું છે. પાડાનો અર્થ મહોલ્લો કે વસાહત થાય છે. ગામની કુલ વસ્તી ૨૨૦૦ લોકોની છે. રામપાડા ગામના વડિલોનું માનવું છે કે ગામમાં રહેતા પૂર્વજોના સપનામાં ભગવાન શ્રીરામ આવ્યા હતા.
ગામમાં મંદિર તૈયાર કરીને કુળ દેવતા તરીકે સ્થાપિત કરવા આદેશ કર્યો હતો ત્યાર પછી દરેક ઘરમાં જન્મતા બાળકના નામની આગળ કે પાછળ રામ લગાડવાની શરુઆત થઇ હતી. આમ તો દરેક ગામમાં રામનું નામ આવતું હોય તેવા કેટલાક હોય છે પરંતુ રામ કનાઇ ગામમાં રામ નામ બાબતે કોઇ જ અપવાદ નથી. એક વ્યકિતના નામ બેવડાતા હોય તેવું પણ જોવા મળતું નથી. આ ગામ બાકુડાથી ૨૧૨ કિમી દૂર આવેલું છે.