દાહોદમાં મહિલાને અર્ધ નગ્ન હાલતમાં ગામમાં ફેરવી તેને માર મારવાની ઘટનામાં તમામ 15 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે,જેમાં પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યુ હતુ, પોલીસે પીડિતાના સસરા, કાકા સસરા,દિયર, મામા સસરા, સાસુ સહિત 15ને ઝડપ્યા છે અને વધુ તપાસ હાથધરી છે.
દાહોદ SP રાજદીપસિંહ ઝાલાનું નિવેદન
આ સમગ્ર કેસને લઈ દાહોદ એસપીનું નિવેદન સામે આવ્યું છે તેમનું કહેવું છે કે,મહિલાઓ ઉપર અત્યાચારમાં પોલીસે તેમના પિયરના સભ્યોની ધરપકડ કરી છે,ગુજરાત અને દાહોદ પોલીસ મહિલાઓના ભાઈ છે તો પીડિતા માનભેર જીવી શકે તે માટે પુન:સ્થાપન કરાશે પીડિત મહિલાની રોજગારી માટેની વ્યવસ્થા દાહોદ પોલીસ કરશે તેમજ મહિલાને ઝડપી ન્યાય મળે તેને લઈ ઝડપી કાર્યવાહી પણ કરવામાં આવશે,મહિલાનું પણ નિવેદન લેવામાં આવ્યું છે.
જાણો શું હતી ઘટના
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના એક ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. 35 વર્ષીય પરિણીત મહિલા પર સ્થાનિક લોકોએ અમાનવીય અત્યાચાર ગુજાર્યો હતો. મહિલા પર ગામના એક યુવક સાથે પ્રેમસંબંધ હોવાનો આરોપ મૂકી 15 લોકોના ટોળાએ તેને નિર્વસ્ત્ર કરી ઢોરમાર મારી અને બાઇક પાઠળ સાંકળથી બાધી રોડ પર ઢસડી હતી. મહિલા પર અમાનવીય અત્યાચારનો વીડિયો પણ સામે આવ્યો હતો.
પહેલા 12 આરોપીઓ ઝડપાયા હતા
મહિલાને આરોપીઓએ તેના સસરાના ઘરે ગોંધી રાખી હતી જેનું રેસ્ક્યૂ કરાયું હતું. 12 જેટલા આરોપીઓની ત્યારે જ ધરપકડ કરવામાં આવી હતી. જેમાં ચાર પુરુષ, ચાર મહિલા અને ચાર બાળ કિશોર આરોપી છે. જેમની સામે અપહરણ, ગેરકાયદે ગોંધી રાખવાનો, મહિલાને માર મારવાનો, તેમની ગરીમાને નુકસાન જાય એ પ્રકારનું કૃત્ય આચરવાનો અને ઇન્ફોરમેશન ટેક્નોલોજી એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.