ઇદની રજા છતાં સ્કૂલ શરૂ રાખવામાં આવી હતી
સ્કૂલની બસનો ડ્રાઇવર નશામાં હતો, સ્પીડ ૧૨૦ની હોવાથી અકસ્માત સર્જાયો, ૨૦ વિદ્યાર્થી ઘાયલ, તપાસના આદેશ
ચંડીગઢ: હરિયાણાના મહેન્દ્રગઢમાં એક સ્કૂલ બસ સાથે અકસ્માત થયો હતો, જેને પગલે આઠ વિદ્યાર્થીઓ માર્યા ગયા હતા. આ ઘટનાને પગલે પોલીસે સ્કૂલના આચાર્ય સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. આ અકસ્માતમાં ૨૦ જેટલા વિદ્યાર્થીઓ ઘાયલ પણ થયા છે. હરિયાણા સરકારે આ સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. આ બસ એક ખાનગી શાળા સાથે સંકળાયેલી છે. અને ડ્રાઇવર બેદરકારીથી તેને ચલાવતો હોવાથી અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.
મહેન્દ્રગઢના એસપી આર્શ વર્માએ જણાવ્યું હતું કે બસમાં ૩૦ જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા, પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ડ્રાઇવરે નશો કર્યો હતો. ઇદની રજા હોવા છતા શાળા શરૂ હતી. હરિયાણાના શિક્ષણ મંત્રી સીમા ત્રીખાએ જણાવ્યું હતું કે અત્યંત દુઃખદ ઘટના છે. હાલમાં અમારુ ધ્યાન ઘાયલ બાળકોને સારવાર આપવાનું છે. ઇદની રજા હોવા છતા શાળા કેમ ચાલુ રાખવામાં આવી હતી તે સવાલના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે જિલ્લા સ્તરની તપાસ ચાલી રહી છે. જવાબદાર લોકો સામે પગલા લેવામાં આવી રહ્યા છે.
આ સમગ્ર ઘટનાને પગલે રાજનેતાઓ દ્વારા દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું હતું. હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સૈની, કેન્દ્રીય મંત્રી અમિત શાહ, પૂર્વ મુખ્યમંત્રી ખટ્ટરે મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જ્યારે હરિયાણા સરકાર દ્વારા સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. પ્રાપ્ત રિપોર્ટમાં સામે આવ્યું છે કે બસનો ડ્રાઇવર નશો કરીને ચલાવતો હતો, જે સમયે આ અકસ્માત સર્જાયો ત્યારે બસની સ્પીડ ૧૨૦ કિમી પ્રતિ કલાકની હતી.
બસ અન્ય વાહનને ઓવરટેક કરી રહી હતી તે સમયે જ પલટી ગઇ હતી. હાલમાં શાળાના આચાર્ય સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.