Lok Sabha Elections 2024: તમિલનાડુના શાસક પક્ષ દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)એ આખા તમિલનાડુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા સાથેના ‘JI-Pay’ પોસ્ટરો લગાવીને એક ઝુંબેશ શરૂ કરી છે. બારકોડથી સજ્જ આ પોસ્ટર દ્વારા લોકોને ‘કોડને સ્કેન કરીને કૌભાંડોને ખુલ્લા પાડવા’ની અપીલ કરવામાં આવી છે. ડીએમકેએ વેલ્લોરમાં રેલી દરમિયાન ડીએમકે સામે વડાપ્રધાન મોદીના હુમલાના એક દિવસ બાદ જ આ હાઈટેક દાવ રમ્યો છે.
ડીએમકેએ હાઇટેક પોસ્ટર બહાર પાડ્યા
લોકસભા 2024ની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે ત્યારે ડીએમકેએ રાજ્યભરમાં હાઇટેક પોસ્ટર બહાર પાડ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર નિશાન સાધતા મુખ્યમંત્રી એમકે સ્ટાલિનની પાર્ટીએ વડાપ્રધાનની તસવીર અને તેના પર છપાયેલ બાર કોડ સાથે ‘JI-Pay’ પોસ્ટરો લગાવ્યા છે. આ પોસ્ટરમાં QR કોડની જગ્યાએ વડાપ્રધાન PM મોદીની તસવીર છપાયેલી છે જો કોઈ વ્યક્તિ પોતાના મોબાઈલથી આ કોડ સ્કેન કરે છે ત્યારે તેના મોબાઈલ પર એક પોપ અપ વીડિયો ખુલી જાય છે જેમાં ચૂંટણી બોન્ડ કૌભાંડનો ઉલ્લેખ હોય છે. નોંધનીય છે કે ડીએમકે આ અંગે ભાજપ પર પ્રહારો કરી રહ્યું છે.
તમિલનાડુમાં 19મી એપ્રિલે મતદાન થવાનું છે
વડાપ્રધાન મોદીએ ડીએમકે પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા અને સહયોગિ કોંગ્રેસ પાર્ટીને પણ આડે હાથ લીધુ હતું. આ ઉપરાંત પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ આડકતરી રીતે ડીએમકેના નેતૃત્વનો ઉલ્લેખ કરતા તેના પર ભ્રષ્ટાચારમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે તમિલનાડુની તમામ 39 લોકસભા બેઠકો માટે પ્રથમ તબક્કામાં 19મી એપ્રિલે મતદાન થવાનું છે.