અમદાવાદ,સોમવાર
પૂર્વ વિસ્તારમાં જાહેરમાં છેડતીના બનાવો વધતા મહિલાઓની સુરક્ષા સામે સવાલો ઉભા થઇ રહ્યા છે. જમાલપુરમાં રહેતી મહિલાના એક તરફી પ્રેમમાં પાગલ સાસુનો ભત્રીજો અવાર નવાર પીછો કરીને હેરાન કરતો હતો. જેમાં મહિલા દાણીલીમડા વિસ્તારમાં પતિ સાથે જઇ રહી હતી ત્યારે આરોપીએ પીછો કરતા પતિએ રોક્યો હતો અને કેમ મારી પત્નીનો પીછો કરે છે તેમ કહેતા હું તેને પ્રેમ કરૃ છું તું અમારી વચ્ચે પડીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ બનાવ અંગે દાણીલીમડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જમાલપુરમાં રહેતા યુવકે જાહેરમાં મહિલાની સામે પતિને કહ્યું હું પીછો કરતો રહીશ તું વચ્ચે આવતો નહી દાણીલીમડા પોલીસે છેડતીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
જમાલપુરમાં પરિવાર સાથે રહેતી ૪૫ વર્ષની મહિલાએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં પોતાની સાસુંના ભત્રીજા સામે ફરિયાદ નોંધાવી છે કે એક તરફી પ્રેમમાં પાગલ આરોપી કેટલાક સમયથી તેણીનો પીછો કરીને છેડતી કરીને હેરાન પરેશન કરતો હતો. હદ તો ત્યારે વટાવી કે તા. ૧૧ના રોજ બપોરે મહિલા તેના પતિ અને સાસું સાથે દાણીલીમડામાં સંબંધીના ત્યાં જતી હતી.
તેઓ દાણીલીમડા ચાર રસ્તા પાસેથી પસાર થતા હતા આ સમયે આરોપી પીછો કરી રહ્યો હતો જેથી મહિલાના પતિએ તેને રોકીને તું કેમ મારી પત્નીનો પીછો કરે છે તેમ કહેતા શખ્સે હું તેને પ્રેમ કરૃ છું અને પીછો કરતો રહીશ તમે અમારી વચ્ચે ના પડો નહી તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપીને નાસી ગયો હતો. જેથી આખરે કંટાળીને મહિલાએ સાસુના ભત્રીજા સામે ફરિયાદ કરતાં દાણીલીમડા પોલીસે તેની સામે છેડતી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.