Gujarat students left private schools: સુવિધાઓ ઓછી મળશે તો ચાલશે પરંતુ ઉંચી ફી તો નહીં ભરવી પડે ને, એ માનસિકતા સાથે વાલીઓએ તેમના પુત્ર કે પુત્રી માટે સ્કૂલનું સ્થળાંતર કરાવ્યું છે. છેલ્લા એક વર્ષમાં 2.29 લાખ વિદ્યાર્થીઓએ ખાનગી સ્કૂલો છોડીને સરકારી સ્કૂલોમાં પ્રવેશ મેળવ્યો છે.
શિક્ષણના વધતા જતા ખર્ચના કારણે સરકારી શાળામાં પ્રવેશ
સુવિધા ખાડે ગઈ હોવાના અનેક કિસ્સા ગુજરાતમાં જોવા મળ્યા છે પરંતુ મધ્યમ વર્ગના પરિવારો માટે શિક્ષણના વધતા જતા ખર્ચાને પહોંચી વળવા અશક્ય બનતાં તેઓ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માટે પોતાના બાળકોને સરકારી સ્કૂલોમાં ભણાવવા મજબૂર બન્યાં છે.
આ પણ વાંચો: ગાંધીનગર જિલ્લામાં પ્રાથમિક વિભાગની મોટી કાર્યવાહી, ગેરહાજર રહેનાર 23 શિક્ષકોને નોટિસ
અમદાવાદ શહેરમાં સૌથી વધુ પ્રવેશ
શિક્ષણ વિભાગના સત્તાવાર આંકડા પ્રમાણે 2024-25ના શૈક્ષણિક વર્ષમાં બાલવાટિકા થી ધોરણ-12 સુધીના કુલ 2,29,747 વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી સરકારી સ્કૂલોમાં કૂચ કરી છે, જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 37,786 વિદ્યાર્થીઓએ સરકારી સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો છે, જયારે સુરત શહેરમાં 22,892 વિદ્યાર્થીઓએ ખાનગી સ્કૂલની જગ્યાએ સરકારી સ્કૂલ પસંદ કરી છે.
ગ્રામ્ય વિસ્તારની સ્કૂલોની હાલત દયનીય
શિક્ષણ વિભાગે દાવો કર્યો છે કે વિભાગમાં ગયા વર્ષે 11,463 કરોડનું બજેટ હતું જે આ વર્ષે વધીને 55,114 કરોડ થયું છે. સરકારી સ્કૂલોમાં વિવિધ સુવિધાના વચનો આપવામાં આવે છે પરંતુ સ્થળ પર જોતાં એવું લાગી રહ્યું છે કે સુવિધાના મોટાભાગના રૂપિયા ભ્રષ્ટાચારમાં ચવાઈ ગયા છે. આજે પણ ગ્રામ્ય વિસ્તારની સ્કૂલોની હાલત દયનીય છે.
આ પણ વાંચો: ફૂડકોર્ટમાં ખદબદતી ગંદકી : લોકો જમવા બેઠાં હોય ત્યાં કુતરા ઘુસી જવાથી હાલાકી
ખાનગીમાંથી સરકારી સ્કૂલોમાં પ્રવેશનો આ વર્ષે આંકડો વધી ગયો
જે વિદ્યાર્થીઓએ ખાનગી સ્કૂલ છોડી સરકારી સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો છે તેમાં ચાર મ્યુનિસિપલ કોર્પોરેશન, કેટલીક પાલિકા અને જિલ્લાનો સમાવેશ થાય છે. શિક્ષણ વિભાગના ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોથી સ્કૂલ પ્રવેશમાં પરિવર્તન આવ્યું છે. દર વર્ષે ખાનગી સ્કૂલો છોડીને વિદ્યાર્થીઓ સરકારી સ્કૂલમાં પ્રવેશ મેળવે છે પરંતુ આ વર્ષે આંકડો વધી ગયો છે.