John Abraham: બોલીવુડના જાણીતા અભિનેતા જ્હોન અબ્રાહમ બે દાયકાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યો છે. પરંતુ આજે પણ ફિલ્મ પ્રોડ્યુસર્સ જ્હોન પર પૂરો ભરોસો કરતાં નથી. ‘બાટલા હાઉસ’ અને ‘મદ્રાસ કેફે’ જેવી દમદાર ફિલ્મો કરવા છતાં જ્હોન કહે છે કે તેણે પ્રોડ્યુસર્સને મનાવવા પડે છે. ફિલ્મ સ્ટુડિયોના માલિકો તેની ફિલ્મને સપોર્ટ કરે તે માટે ખૂબ જ પ્રયત્નો કરવા પડે છે. જ્હોને એક પોડકાસ્ટમાં આ અંગે વધારે જણાવ્યું હતું.
સ્ટુડિયોના માલિકો મને જવાબ જ આપતાં નથી
જ્હોને કહ્યું- હું આજે પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફંડિંગ અને બજેટને લઈને સંઘર્ષ કરી રહ્યો છું. ‘મેં ‘વિકી ડોનર’ જેવી ફિલ્મ પ્રોડ્યુસ કરી હતી. ઇન્ડસ્ટ્રીને સારી ફિલ્મો આપવા છતાં ફિલ્મ સ્ટુડિયોના માલિકોને મારી ફિલ્મ માટે ફંડ આપવા માટે મનાવવા પડે છે. આ સમગ્ર પ્રક્રિયાને સમજવી પડશે, કારણ કે મારી દરેક ફિલ્મ અલગ હોય છે. આજે પણ આ લોકોને મારામાં 100 ટકા વિશ્વાસ નથી. તેઓ મને કહે છે કે મારી ફિલ્મનું બજેટ ઘણું વધારે હોય છે. સ્ટુડિયોના માલિકો મને જવાબ જ આપતાં નથી. કારણ કે હું વોટ્સઅપ વાપરતો નથી. તેથી જો હું કોઈને મેસેજ કરું તો મને કોઈ સામે જવાબ આપતાં નથી. ઘણો સમય જતો રહે છે છતાં કોઈ જવાબ આવતો નથી.’
‘મેં એક સ્ટુડિયોના માલિકને મેસેજ કર્યો હતો અને સામે તેણે લખ્યું હતું કે તે મને જવાબ આપશે, પરંતુ આજે તે વાતને સાડા ચાર મહિના થઈ ગયા છે. હજુ સુધી તેમનો જવાબ આવ્યો નથી. હું તેમની પાસેથી એક જવાબની આશા તો રાખી જ શકું? પરંતુ મને લાગે છે કે જો લોકો મારા ઉપર થોડો વિશ્વાસ રાખશે તો હું ભારતીય સિનેમામાં બદલાવ લાવવામાં જરૂર મદદ કરીશ. હું એવું નથી કહી રહ્યો કે હું પૂરી ગેમને બદલી દઈશ, કે હું કોઈ ચેન્જર છું, પરંતુ હું ચોક્કસ પ્રયાસ કરી શકું છું.’
આટલું જ નહીં, જ્હોને તેની ફીને લઈને પણ વાત કરી હતી. તેણે કહ્યું કે, ‘હું કોઈ પણ ફિલ્મ માટે મારી ત્રેવડથી વધારે ફી લેતો નથી. મારી ફિલ્મ પર ફીનો ભાર ન પડે તેનું હું ધ્યાન રાખું છું. જો ફિલ્મ સારી ચાલે છે તો હું વધારે ચાર્જ કરું છું. જો ફિલ્મ કમાણી કરશે તો હું પણ તેનાથી કમાણી કરીશ. તેથી હું મારી ક્ષમતા મુજબની ફી માંગું છું. મારું જે સ્ટાન્ડર્ડ છે, તે પ્રમાણે જ હું ફિલ્મો કરું છું.’ તમને જણાવી દઈએ કે જ્હોન હાલમાં ફિલ્મ ‘વેદા’ના પ્રમોશનને લઈને વ્યસ્ત છે.