P.T. Usha Statements On Vinesh Phogat: ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના પ્રમુખ ડૉ. પી.ટી. ઉષાએ રવિવારે એક નિવેદન આપ્યું છે જેની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. આ સમગ્ર નિવેદન દરમિયાન પેરિસ ઓલિમ્પિકમાં 50 કિગ્રા ફ્રી સ્ટાઇલમાં અયોગ્ય જાહેર થયેલી વિનેશનું નામ લેવામાં આવ્યુ નથી, પરંતુ પીટી ઉષાએ નામ લીધા વિના જ ઈશારામાં વિનેશને ચોક્કસ સલાહ આપી હોવાનું જણાઈ રહ્યું છે.
ભૂતપૂર્વ ઓલિમ્પિયન અને હાલ IOAના ચીફ ડૉ. પી.ટી. ઉષાએ નિવેદન આપ્યું છે કે, વજન મેનેજ કરવુએ ખેલાડી અને કોચની જવાબદારી છે. ખાસ કરીને કુસ્તી, વેઈટ લિફ્ટિંગ, બોક્સિંગ અને જુડો જેવી રમતોમાં. આ રમતોમાં રમતવીરોના વજન મેનેજ કરવાની જવાબદારી દરેક રમતવીર અને તેના કોચની છે, IOA દ્વારા નિયુક્ત ચીફ મેડિકલ ઓફિસર ડૉ. દિનશા પારડીવાલા અને તેમની ટીમની નહીં.
IOAએ થોડા મહિના પહેલાં એક મેડિકલ ટીમની નિમણૂક કરી હતી. જે રમતવીરોને ઈવેન્ટ દરમિયાન અને બાદમાં રિકવરી તથા ઈજા થવા પર સારવાર સહિતના સંચાલનમાં પ્રાથમિક રીતે મદદ કરશે. આ ટીમ એવા એથ્લેટ્સને મદદ કરવા માટે પણ બનાવવામાં આવી હતી કે જેમની પાસે ન્યુટ્રિશનિસ્ટ અને ફિઝિયોથેરેપિસ્ટની પોતાની ટીમ નથી.
ડો.પારડીવાલાએ બચાવ કર્યો
ડૉ. ઉષાએ કહ્યું કે IOA મેડિકલ ટીમ, ખાસ કરીને ડૉ. પારડીવાલા પ્રત્યેની નફરત અસ્વીકાર્ય છે તેમણે આશા વ્યક્ત કરી કે IOA મેડિકલ ટીમ પર આરોપ લગાવનારા કોઈપણ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા તમામ પાસાંઓ પર વિચાર કરે. ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટને મહિલા 50 કિગ્રા વજન વર્ગની ફાઇનલમાં 100 ગ્રામ વજન વધુ હોવાથી અયોગ્ય ઠેરવવામાં આવી હતી.
કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (CAS)એ પેરિસ ઓલિમ્પિકમાંથી અયોગ્ય ઠરેલી વિનેશ ફોગાટને સિલ્વર મેડલ આપવો કે કેમ તે અંગે પોતાનો નિર્ણય 13 ઓગસ્ટે જાહેર કરશે.