Youth Killed In Surat: સુરતમાંથી હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરમાં ઉધના વિસ્તારમાં ધોળા દિવસે 37 વર્ષીય યુવકની તલવારના ઘા મારીને હત્યા કરી નાખી હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.
યુવાનની સરાજાહેર હત્યા
મળતી માહિતી અનસાર, ઉધના વિસ્તારમાં આવેલા લક્ષ્મીનારાયણ મંદિર પાસે હત્યાનો બનાવ બન્યો હતો. મૃતક ભજનસિંગ બહેનને મળવાં જઈ રહ્યો હતો. આ દરમિયાન તેમના સ્કોર્પિયોને બે વાહનોએ ઘેરી લીધો હતો. ત્યારબાદ કેટલાક લોકો તલવારો સાથે ઉતરીને ભજનસિંગ પર હુમલો કર્યો હતો. તલવારથી ઘા મારીને યુવાનના ડાબો હાથ કાપી નાખ્યો હતો અને જમણા હાથની આંગળીઓ કાપી નાખી હતી. એટલું જ નહીં તલવારના ઘા મારીને તેનું ગળું કાપી નાખ્યું હતું. જેથી યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
37 વર્ષે ભજનસિંગ વડોદ ગામ ખાતે પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં માતા પત્ની બે દીકરી અને એક દિકરો છે. ભજનસિંગ મીટનો ધંધો કરીને પરિવારનો ગુજરાન ચલાવતો હતો. અંગત અદાવતમાં ભજનસિંગની હત્યા થઈ હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે. જો કે, હાલ પોલીસ આરોપીઓની ધરપકડ કરવાનો પ્રયત્ન કરી રહી છે.