Akshay Kumar Attends Jainacharya Hansaratnaswarji’s 100th Masakshaman Celebration : વિશ્વ-શાંતિ અને અહિંસાનો સંદેશ દુનિયામાં ખૂણે ખૂણે પહોંચાડવાના ધ્યેય સાથે ઉગ્ર તપસ્યા કરતા જૈનાચાર્ય હંસરત્નસૂરીશ્વરજીએ સાતમી વાર સળંગ 180 ઉપવાસ પૂર્ણ કરીને વરલીના નેશનલ સ્પોર્ટસ સ્ટેડિયમમાં હજારોની મેદની વચ્ચે સોમાં પારણા કર્યા હતા. આ સાથે તેમણે જૈન ધર્મના ઇતિહાસમાં સૌથી લાંબી અને આકરી ઉપવાસ આરાધનાનો વિક્રમ સજર્યો હતો. આપ્રસંગે 10 હજારથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર પણ સામેલ હતો.
અક્ષય કુમારે જૈન ધર્મના સિદ્ધાંતો અનુસરવાનો સંકલ્પ કર્યો
વિવિધક્ષેત્રના અગ્રણીઓ અને 350થી વધુ સાધુ-સાધ્વીજીઓની ઉપસ્થિતિમાં આયોજિત આ અનોખા પારણા મહોત્સવમાં ફિલ્મસ્ટાર અક્ષય કુમાર ખાસ હાજર રહ્યો હતો. જૈનાચાર્ય કઠીન ઉપવાસ આરાધનાથી અત્યંત પ્રભાવિત થયેલા અક્ષય કુમારે જૈન ધર્મના સિદ્ધાંતો અનુસરવાનો સંકલ્પ કર્યો હતો. આ સાથે તેણે 7 કરોડનો ચઢાવો કર્યાની પણ ચર્ચા છે.
13 વર્ષ સુધી માત્ર ઉકાળેલું પાણી પીને ઉપવાસ કર્યા
45 વર્ષ પહેલાં બાળવયે દીક્ષા લેનારા 57 વર્ષના જૈનાચાર્ય હંસરત્નસૂરીશ્વરજીએ છેલ્લા 22 વર્ષમાં 13 વર્ષ સુધી માત્ર ઉકાળેલું પાણી પીને ઉપવાસ કર્યા છે.વર્ષોથી ચાલતી ઉપવાસ આરાધનામાં સળંગ 30 દિવસ ઉપવાસ (માસક્ષમણ) કર્યા હોય એવું 100 વાર બન્યું છે. આજે જૈનાચાર્યએ 108 માસક્ષમણે પૂર્ણ કરવાની ભાવના વ્યક્ત કરી હતી.
આચાર્યશ્રી મહાબોધી સુરીશ્વરજી મહારાજે સમજાવ્યું આકરી ઉપવાસ આરાધનાનું મહત્વ
આ પ્રસંગે ઉપસ્થિત આચાર્ય હંસરત્નસુરી મહારાજની આકરી ઉપવાસ આરાધનાનું મહત્વ સમજાવતા આચાર્યશ્રી મહાબોધી સુરીશ્વરજી મહારાજે કહ્યું હતું કે, વિશ્વ શાંતિ, અહિંસા તેમજ દુનિયામાં કોઈ વ્યક્તિ ભૂખી ન રહે એ ભાવના સાથે આચાર્યશ્રીએ આ આકરી ઉપવાસ આરાધના કરી છે.